Western Times News

Gujarati News

સુરેન્દ્રનગરની પાયલ મુંજપરાએ સોલર પાવર ક્ષેત્રે મેળવેલી સિદ્ધિનો ઉલ્લેખ ‘મન કી બાત’ કાર્યક્રમમાં PM મોદીએ કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતના ૧૩૨મા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતકાર્યક્રમના ૧૩૨ સંસ્કરણમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની પાયલ મુંજપરાની પ્રેરણાદાયી સફળતાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પાયલે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાહેઠળ સૂર્ય પહેલદ્વારા સોલર પાવર ટેકનોલોજીની તાલીમ લીધી અને ૪ મહિનાનો Solar PV Technician કોર્સ પૂર્ણ કર્યો.

આજે પાયલ માત્ર એક કુશળ સોલર ટેકનિશિયન જ નહીં, પરંતુ એક સફળ સોલર ઉદ્યોગસાહસિક (Entrepreneur) તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે. પાયલની આ સફર દર્શાવે છે કે કેવી રીતે આ સરકારી યોજનાઓ જયપુર, મેરઠ તેમજ ઉત્તર-પૂર્વ સહિત દેશના છેવાડાના વિસ્તારોમાં યુવાનોના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહી છે અને તેમને સ્વનિર્ભર બનાવી રહી છે.

વડાપ્રધાનશ્રીએ જળસંચયને અભિયાન બનાવીને ભાવિ પેઢી માટે પાણીદાર ભવિષ્યનું નિર્માણ કરવા દેશવાસીઓને અનુરોધ કર્યો

મેદસ્વિતા મુક્ત અને તંદુરસ્ત ભારતના નિર્માણ માટે ભોજનમાં તેલનો વપરાશ ૧૦ ટકા સુધી ઘટાડવા પર ભાર મૂકતા વડાપ્રધાનશ્રી

ગુજરાતમાં ૨૪ કલાક વીજળી અને નર્મદાના નીર છેક કચ્છ સુધી પહોંચાડી પાયાની સુવિધાઓનો કાયાકલ્પ કર્યો –સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર: સાણંદમાં ‘માઈક્રોન’નો પ્લાન્ટ નિર્ણાયક નીતિઓનું પરિણામઃ CM

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી એચ.બી. કાપડિયા સ્કૂલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતના ૧૩૨મા સંસ્કરણનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જન-જન સુધી પહોંચવા તા. ૩ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ વિજયાદશમીના દિવસે મન કી બાતકાર્યક્રમ શરૂ કર્યો હતો. જેના દ્વારા તેઓ નાગરિકો સાથે સંવાદ પણ સાધતા હોય છે. આજે વડાપ્રધાનશ્રીએ મન કી બાતના ૧૩૨મા સંસ્કરણમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વહીવટી વડા તરીકે નવો સીમાસ્તંભ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે આજે જ્યારે સમગ્ર વિશ્વ આર્થિક અને સામાજિક રીતે ડામાડોળ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાનશ્રીના મક્કમ નેતૃત્વને કારણે ભારતનો પ્રત્યેક નાગરિક તણાવમુક્ત અને સુરક્ષિત અનુભવે છે. જનતાનો વડાપ્રધાનશ્રી પરનો આ અતૂટ વિશ્વાસ જ ભારતની અસલી શક્તિ છે.

મધ્ય-પૂર્વની તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે અફવાઓ સામે સાવચેતી રાખવા અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તાજેતરમાં પેટ્રોલ અંગે ફેલાયેલી અફવાઓ છતાં રાજ્ય સરકારે પૂરતો જથ્થો પૂરો પાડીને પુરવાર કર્યું છે કે સરકાર જનતાના હિતમાં સદાય કાર્યરત છે. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહી જનસેવામાં પરોવાયેલા રહેવા આહ્વાન કર્યું હતું.

તેમણે ઉમેર્યું કે વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા છતાં, ભારત સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને સામાન્ય માણસને મોટી રાહત આપી છે. ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી શૂન્ય કરીને સરકારે સાબિત કર્યું છે કે તેમની પ્રાથમિકતા હંમેશાં છેવાડાનો અને સામાન્ય માણસ જ રહ્યો છે.

શ્રી પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વિકાસની રાજનીતિનો કોઈ વિકલ્પ નથી. વડાપ્રધાનશ્રીની જે કહેવું તે કરવુંની કાર્યપદ્ધતિને આજે આખો દેશ સ્વીકારી રહ્યો છે. આ માટે તેમણે ગુજરાતમાં પાયાની સુવિધાઓના કાયાકલ્પની વાત કરતાં કહ્યું કે ૩૦ વર્ષ પહેલાં અમદાવાદ જેવાં મહાનગરોની શાળાઓમાં પણ વીજળી નહોતી. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ ગુજરાતમાં ૨૪ કલાક અને ૩૬૫ દિવસ વીજળીની ક્રાંતિ લાવી છે.

નર્મદાના દરિયામાં વહી જતાં નીરને ૬૫,૦૦૦ કિમી લાંબી નહેરો દ્વારા છેક કચ્છના ખૂણે-ખૂણે પહોંચાડીને કૃષિ અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લવાયો છે. આજે રાજ્યના ૯૮ ટકા ખેડૂતોને દિવસે વીજળી ઉપલબ્ધ કરાવીને ખેતીને વધુ સમૃદ્ધ બનાવી છે.

ટેક્નોલૉજી ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતા વિશે જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અગાઉના અનેક પ્રયત્નો છતાં જે સેમિકન્ડક્ટર ઉદ્યોગ ભારતમાં નહોતો આવી શક્યો, તે આજે વડાપ્રધાનશ્રીના પ્રયત્નોથી સાણંદમાં માઈક્રોનજેવી વૈશ્વિક કંપનીના પ્લાન્ટ સ્વરૂપે સાકાર થયો છે. આ આત્મનિર્ભરતાને કારણે જ ભારત વૈશ્વિક મંદીમાં પણ સ્થિર રહી શક્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ થલતેજ વોર્ડના કાર્યકર્તાઓ સાથે ટિફિન ભોજન પણ કર્યું હતું.

મન કી બાતકાર્યક્રમના ૧૩૨મા સંસ્કરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈશ્વિક ઈંધણ સંકટ અને પાડોશી દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત તેના મજબૂત વૈશ્વિક સંબંધો અને આંતરિક સામર્થ્યને કારણે પેટ્રોલ-ડીઝલની અછતનો દૃઢતાથી સામનો કરી રહ્યું છે. ખાડી દેશોમાં વસતા એક કરોડથી વધુ ભારતીયોને મળતી મદદ બદલ તેમણે આ દેશોનો આભાર માન્યો હતો. તેમણે નાગરિકોને અફવાઓથી બચવા અને માત્ર સરકારી માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી.

દેશભરમાં હાલ ગરમીની સ્થિતિમાં જળ સંરક્ષણનાં સફળ મોડલ્સની પ્રશંસા કરતાં કહ્યું કે અમૃત સરોવરઅભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૭૦ હજાર જેટલાં સરોવરોનું નિર્માણ થયું છે. છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ૧૨૦૦થી વધુ ખેડૂતોએ ખેતરોમાં નાના રિચાર્જ તળાવ અને શોષ ખાડા બનાવી ભૂગર્ભ જળસ્તર સુધાર્યું છે. તેવી જ રીતે, ત્રિપુરાના ૩૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલા વાંગમુન ગામમાં હવે દરેક ઘરે રૂફટોપ રેઈનવોટર હાર્વેસ્ટિંગસિસ્ટમને જળ સંકટ સામે લડવા માટેનો શ્રેષ્ઠ સામૂહિક પ્રયાસ ગણાવ્યો હતો.

તેમણે દેશના સાંસ્કૃતિક વારસાને જાળવવા જ્ઞાન ભારતમ્ એપપર પાંડુલિપિઓ શેર કરવા અપીલ કરી હતી. અરુણાચલની તાઈ લિપિ, અમૃતસરની ગુરુમુખી લિપિ તેમજ તાડપત્રો અને તાંબ્રપત્રો પર લખાયેલી અમૂલ્ય હસ્તપ્રતોની વિગતો દેશભરમાંથી મળી રહી હોવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આ અભિયાનનો હેતુ ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરાને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત કરવાનો છે.

વડાપ્રધાનશ્રીએ બેંગલુરુની ‘Prayoga’ ટીમની પ્રશંસા કરી, જે શાળા સ્તરે વિજ્ઞાન શિક્ષણને લોકપ્રિય બનાવી રહી છે. તેમના અન્વેષણપ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી અને અર્થ સાયન્સ જેવા વિષયોમાં સંશોધન માટે પ્લેટફોર્મ મળી રહ્યું છે. નાગાલેન્ડની મોરુંગશિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે કેવી રીતે વડીલો યુવાનોને ગણિત, વિજ્ઞાન અને જીવન કૌશલ્ય શીખવી રહ્યા છે.

આ સિવાય, આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ભારતની સિદ્ધિ, એથ્લેટિક લીગમાં મહિલાઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન તથા સ્ક્વૉશ ખેલાડી અનાહત સિંઘ અને એથ્લેટ ગુલવીર સિંઘ રચેલા નવા વિક્રમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે કરેલા સંવાદ તથા માછીમારી ક્ષેત્રે થયેલા નવાચારોની પણ પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આડે હવે ૧૦૦ દિવસ બાકી છે તેમ જણાવી તેમણે આફ્રિકાના જિબૂતીમાં યોગનો પ્રચાર કરતા અલ્મિસ જીના પ્રયાસો બિરદાવ્યા હતા. મેદસ્વિતા મુક્તિના અભિયાન અંતર્ગત તેમણે ખાંડ અને ખાદ્ય તેલના વપરાશમાં ૧૦ ટકાનો ઘટાડો કરવા અપીલ કરી હતી. જેથી અનેક બીમારીઓથી બચી શકાય. આ નાના ફેરફારો તંદુરસ્ત ભારત માટે નિર્ણાયક સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.