નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો: ફાસ્ટેગમાં પણ ભાવ વધારો
સરેરાશ વાહન પ્રમાણે ૩ ટકાથી ૫ ટકાનો વધારો વાહન ચાલકો ઉપર આવશે
(એજન્સી)અમદાવાદ, આજે પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર વાહન ચાલકોએ ટોલ ફીમાં રૂ.૫થી રૂ.૨૦ સુધીનો વધારો ચૂકવવો પડશે.આ ટોલ ફી વધારો માત્ર ગુજરાતમાંથી પસાર થતાં માર્ગો ઉપર જ નહિ પણ દેશના મહત્વના માર્ગો ઉપર ચૂકવવો પડશે.જે સરેરાશ વાહન પ્રમાણે ૩ ટકાથી ૫ ટકાનો વધારો વાહન ચાલકો ઉપર આવશે.
બીજી તરફ ટોલ પ્લાઝા ઉપર રોકડેથી ટોલ ફી સ્વીકારવામાં નહિ આવે.વાહન ચાલકોએ યુપીઆઈ કે ફાસ્ટેગથી જ તેની ચૂકવણી કરવી પડશે.ટોલ ફીમાં વધારો થવાના કારણે કરોડો રૂપિયાનો બોજો વાહન ચાલકો ઉપર પડશે.એક્સપ્રેસ વે નેશનલ હાઈવે એક ઉપર હવે નવી ટોલ ફી મુજબ વડોદરાથી અમદાવાદના કાર -જીપના રૂ.૫ વધારીને રૂ.૧૪૫, એલસીવી મિની બસના રૂ.૨૩૫, બસ-ટ્રકના રૂ.૪૯૦ લેવામાં આવશે.
વડોદરાથી ઔડા રિંગ રોડ માટે કાર -જીપના રૂ.૧૪૦, મિની બસ-એલસીવી રૂ.૨૨૫, બસ ટ્રકના રૂ.૪૭૦, વડોદરાથી નડિયાદ કાર જીપના રૂ.૭૫ યથાવત રખાયા છે.એલસીવી-મિનીબસના રૂ.૧૨૫, બસ-ટ્રકના રૂ.૨૬૦ લેવાશે. જ્યારે વડોદરાથી આણંદના કાર -જીપના રૂ.૫૫ યથાવત રખાયા છે. જ્યારે મિની બસ -એલસીવીના રૂ.૮૫, બસ – ટ્રકના રૂ.૧૮૫ લેવામાં આવશે.
નેશનલ હાઇવે ૪૮ ઉપર ખેડા જિલ્લા રઘવાણજ ખાતે કાર – જીપના રૂ. ૧૧૫, એલસીવી – મિની બસના રૂ.૧૮૦, બસ -ટ્રકના રૂ.૩૭૦ લેવાશે. જયારે વાસદખાતે કાર -જીપના રૂ.૧૬૦,મિની બસના રૂ.૨૫૫, બસ ટ્રેકના રૂ.૫૨૦ લેવામાં આવશે. નેશનલ હાઇવે ૪૮ ઉપર વડોદરાથી ભરૂચ જવા માટે કરજણ તાલુકાના ભરથાણા ખાતે આવેલા ટોલ પ્લાઝા ઉપર પણ ભાવ વધારો જાહેર કરાયો છે.
દેશના સૌથી વ્યસ્ત ગણાતા દિલ્હી-મુંબઈ કોરીડોરના આ ટોલ પ્લાઝા ઉપર એલસીવી, બસ ટ્રક માટે દર વધારવામાં આવ્યા છે.જયારે કાર અને જીપના દરમાં કોઈ ફેરફાર કરાયો નથી.કાર- જીપના રૂ.૧૫૫ યથાવત છે. જયારે મિનીબસ – એલસીવીના રૂ.૫ વધારીને રૂ.૨૫૫,ટ્રક -બસમાં રૂ.૧૦ વધારીને રૂ.૫૨૦ અને થ્રીએક્સેલ વાહનમાં રૂ.૧૫ વધારીને રૂ.૫૬૫ કરાયા છે.
નવી દિલ્હી -વડોદરા -મંબઇ એક્સપ્રેસ વે દ્ગઈ૪ ઉપર વડોદરાથી ગણદેવા સુધીના માર્ગ ઉપર પણ ટોલ ફી વધારો ચૂકવવો પડશે. દોડકા, ફાજલપુર, સમિયાલા, સાંપા, દેહગામ, મોટીનરોલી અને એનાના ટોલ પ્લાઝા ઉપર પણ વાહન ચાલકોએ રૂ.પ થી રૂ.૨૦ સુધીનો ટોલ વધુ ચૂકવવો પડશે.
