Western Times News

Gujarati News

દાહોદના ખેડૂતો ખેતીની વૈજ્ઞાનિક તાલીમ બાદ આધુનિક ખેતી અપનાવી થઇ રહ્યા છે સમૃદ્ધ

જિલ્લામાં ગત બે વર્ષમાં ૪૫૬૦ ખેડૂતોને તાલીમ : ૧૬૯૦ ખેડૂત ભાઇબહેનોએ કિચન ગાર્ડનીગની તાલીમ મેળવી

ગત બે વર્ષમાં ૩૫૪ થી વધુ ખેડૂતોએ રાજય અને રાજય બહાર તાલીમ અને પ્રેરણા પ્રવાસનો લાભ લીધો

ખેડૂતોએ શેઢા પાળા ઉપર વિવિધ બાગાયતી પાકોની ખેતી અપનાવી કર્યો આવકમાં નોંધપાત્ર વધારો

આલેખન : મહેન્દ્ર પરમાર દાહોદ: જિલ્લામાં ૨.૨૪ લાખ હેકટર ખેતીલાયક વિસ્તાર છે. જેમાંથી અંદાજે ૯૯ ટકા વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે. જિલ્લાના બહુસંખ્યક લોકો ખેતી સાથે જોડાયેલા હોય ખેડૂતોને અદ્યતન ખેતીની તાલીમ જિલ્લાના આર્થિક વિકાસ માટે અગત્યનું પરિમાણ છે. ત્યારે જિલ્લાના ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા આત્મા પ્રોજેકટના સહયોગથી ખેડૂતોને તાલીમ આપી તેમની આવકમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના લક્ષ્યાંક સાથે સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

ખેડૂત તાલીમ કેન્દ્ર, દાહોદ દ્વારા ગત બે વર્ષમાં ૪૫૬૦ ખેડૂતોને ધાન્ય પાકો, કઠોળ પાકો, તેલીબિયા, બાગાયતી ખેતી સાથે પશુપાલનને લગતી તાલીમ આપવામાં આવી હતી અને તેમને આ ક્ષેત્રના આધુનિક પ્રવાહોથી માહિતગાર કરાયા હતા તથા વૈજ્ઞાનિક ખેતી અપનાવવા સમજ અપાય હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૬૪ ખેડૂતોને રાજય બહાર પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહારાષ્ટ્રના જલગાંવ અને રાહુરી ખાતે સજીવ ખેતી અને ટપક સિંચાઇ પદ્ધતિ વિશે તાલીમ આપવામાં આવી હતી. સાથે ૩૦૦૦ જેટલા ખેડૂતોને ટપકસિંચાઇ પદ્ધતિ વિશે અને મશરૂમની ખેતી કેવી રીતે કરવી તેની પદ્ધતિસરની તાલીમ પણ અપાય હતી ત્યાર બાદ ૬૦ થી વધુ ખેડૂતોએ મશરૂમની ખેતીમાં સફળતા મેળવી છે.

ખેડૂતોને ગુજરાતના બાગાયત સંશોધન કેન્દ્ર, વેજલપુર, કૃષિ યુનિવસિર્ટી, દાંતીવાડા, આણંદ કૃષિ યુનિવસિર્ટી ખાતે બાગાયતી ફળ પાકો, શાકભાજી પાકો, સુંગધિત અને ઔષધિય પાકો અને સજીવ ખેતીના માર્ગદર્શન માટે વડોદરાના સુંદરપુર ખાતે યોજાયેલા વિવિધ તાલીમ કાર્યક્રમોમાં ૧૧૩૯ ખેડૂતોએ ગત બે વર્ષ દરમિયાન તાલીમનો લાભ લીધો છે. તાલીમ બાદ ખેડૂતો મોટી સંખ્યામાં વૈજ્ઞાનિક રીતે બાગાયતી અને શાકભાજી પાકોની ખેતી શરૂ કરી છે.

ખેડૂતો અન્ય પ્રગતિશીલ ખેડૂતો પાસેથી પ્રેરણા મેળવે અને ખેતીમાં નવતર પ્રયોગો અપનાવે તે માટે રાજયમાં અને રાજય બહાર પ્રેરણા પ્રવાસો કરાવામાં આવે છે. જે અંતર્ગત ૧૯૦ ખેડૂતોને રાજસ્થાન અને દિલ્હીના પ્રેરણા પ્રવાસ કરાવામાં આવ્યા હતા જયાં સજીવ ખેતી, મશરૂમની ખેતી, કૃષિ યુનિવસિર્ટીની મુલાકાત વગેરે દ્વારા વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ વિશે માહિતી અને તાલીમ આપવામાં આવી હતી.

જયારે ૨૮૪૮ ખેડૂત ભાઇ બહેનોને એગ્રીટેક એશિયા કાર્યક્રમમાં ગાંધીનગર ઉપરાંત આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડાંની કૃષિ યુનિવસિર્ટીઓની સાથે પ્રગતિશીલ ખેડૂતો સાથે પણ મુલાકાત અને તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમ બાદ ૧૮ ખેડૂતોએ સફળતાપૂર્વક દાડમ તેમજ અન્ય બાગાયતી ફળપાકની ખેતી અપનાવી આવકમાં નોંધપાત્ર વધારો મેળવ્યો છે અને તાલીમમાં જોડાયેલા મોટા ભાગના ખેડૂતોએ શેઢા પાળા ઉપર વિવિધ બાગાયતી પાકોની ખેતી અપનાવી આવકમાં સારો એવો વધારો મેળવ્યો છે.

આ ઉપરાંત એફઆઇજી ગ્રુપના ૧૬૯૦ ભાઇ બહેનોને પશુપાલન અને કિચન ગાર્ડનીગ તથા શાકભાજી પાકોની ખેતી માટેની તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત ૪૦૦ ખેડૂતોએ શાકભાજી પાકો જેવા કે ભીંડા વગેરેની ખેતી અને ૫૯૭ મહિલા ખેડૂતોએ કિચન ગાર્ડનીગની શરૂઆત કરી છે.

જિલ્લામાં ૪૦ થી વધુ ખેડૂતોએ બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ માટે અરજી કરી હતી. આમ તાલીમ બાદ પ્રગતિશીલ ખેડૂતોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. તાલીમ અને પ્રેરણા પ્રવાસ બાદ ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી વધુ ને વધુ ખેડૂતો સમૃદ્ધ થઇ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.