Western Times News

Gujarati News

આપણે જીવનશૈલીમાં ફેરફાર નહીં કરીએ તો આવનારી પેઢીઓ માટે ગંભીર પરિણામો આવશે

નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો -પૃથ્વીની સહનશક્તિ કરતાં માનવી ૮૦% વધુ ઝડપે કુદરતી સંપત્તિનો વપરાશ કરી રહ્યો છે

નવી દિલ્હી, વિશ્વભરમાં કુદરતી સંસાધનો પર વધી રહેલા દબાણે વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો કર્યો છે. ‘એન્વાયરમેન્ટલ રિસર્ચ લેટર્સ’માં પ્રકાશિત એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ મુજબ, પૃથ્વી પરની ૮.૩ અબજની માનવ વસ્તી કુદરતી સંસાધનો પર એટલું ભારે દબાણ કરી રહી છે કે ગ્રહની પુનર્જીવિત થવાની ક્ષમતા નબળી પડી રહી છે.

વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, મનુષ્યો પૃથ્વીની ક્ષમતા કરતા ૭૦ થી ૮૦ ટકા વધુ ઝડપથી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. જેનો અર્થ છે કે જો આપણે વર્તમાન જીવનશૈલી જાળવી રાખવી હોય તો આપણને ૧.૭ થી ૧.૮ પૃથ્વીની જરૂર પડશે.

ઓસ્ટ્રેલિયાની ફિ્‌લન્ડર્સ યુનિવર્સિટીના પ્રોફેસર કોરી બ્રેડશોના નેતૃત્વમાં થયેલા આ સંશોધનમાં જણાવાયું છે કે, મનુષ્યો પોતાની મર્યાદા વટાવી ચૂક્યો છે. પૃથ્વીની ‘કેરિંગ કેપેસિટી’ (વહન ક્ષમતા) એટલે કે એવી ક્ષમતા કે જેમાં કોઈ પ્રજાતિ લાંબા સમય સુધી ઉપલબ્ધ સંસાધનોના આધારે જીવિત રહી શકે, તે હવે માનવ વસ્તી સામે ટૂંકી પડી રહી છે. રિપોર્ટ મુજબ, ૧૯૫૦ પછી વધતી જતી વસ્તી, ઔદ્યોગિકીકરણ અને અશ્મિભૂત ઈંધણના વધતા વપરાશે કુદરતી સંતુલન સંપૂર્ણપણે બગાડી દીધું છે.

આજે આપણે પૃથ્વી પાસેથી એટલું ઉધાર લઈ રહ્યા છીએ જે પરત કરી શકાય તેમ નથી. જેને વૈજ્ઞાનિકો ‘ઇકોલોજીકલ ડેબ્ટ’ (પર્યાવરણીય દેવું) કહી રહ્યા છે.
અભ્યાસ મુજબ, વર્ષ ૨૦૬૦ કે ૨૦૭૦ સુધીમાં વિશ્વની વસ્તી ૧૧.૭ થી ૧૨.૪ અબજની વચ્ચે પહોંચી શકે છે.

જોકે, આ આંકડો પૃથ્વી માટે જોખમી સાબિત થશે. આજની વસ્તી પૃથ્વીની સુરક્ષિત મર્યાદા કરતા ત્રણ ગણી વધારે છે. જો દરેક વ્યક્તિ આર્થિક રીતે સુરક્ષિત અને આરામદાયક જીવન જીવવા માંગતી હોય, તો પૃથ્વી માત્ર ૨.૫ અબજ લોકોને જ સારી રીતે પોષી શકે છે.

પ્રોફેસર બ્રેડશોના જણાવ્યા અનુસાર, સમસ્યા માત્ર વસ્તીના આંકડાની જ નથી, પરંતુ વિકસિત દેશોમાં થતા અતિશય વપરાશની પણ છે. ઓછા લોકો હોવા છતાં જો સંસાધનોનો વપરાશ વધુ હોય, તો તે પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે. આ અસંતુલનને કારણે આજે વિશ્વ પાણીની અછત, ખાદ્ય સંકટ અને વન્યજીવોની ઘટતી સંખ્યા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર નહીં કરીએ તો આવનારી પેઢીઓ માટે ગંભીર પરિણામો આવશે. ઉકેલ તરીકે ટકાઉ જીવનશૈલી અપનાવવી, સંસાધનોનો જવાબદાર અને કરકસરભર્યો ઉપયોગ, શિક્ષણ અને જાગૃતિ દ્વારા વસ્તી વૃદ્ધિને સ્થિર કરવી અને કુદરતી સંસાધનો પરની નિર્ભરતા ઘટાડી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પ્રોફેસર કોરી બ્રેડશોએ જણાવ્યું હતું કે, સમય ઝડપથી આગળ વધી રહ્યો છે પરંતુ સાર્થક પગલા લેવામાં આવે તો સ્થિતિ સુધારી શકાય તેમ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.