Western Times News

Gujarati News

કાર્તિક આર્યનની ‘કેપ્ટન ઈન્ડિયા’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

મુંબઈ, કાર્તિકની લાંબા સમયથી રાહ જોવાતી એવિએશન ડ્રામા ફિલ્મ કેપ્ટન ઇન્ડિયાની આખરે રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. જેમાં કાર્તિક આર્યન અને શિમિત અમીનની પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. આ એવિએશન થીમ પર આધારિત ડ્રામા, ૧૩ આૅગસ્ટ ૨૦૨૭ના રોજ થિએટરમાં રિલીઝ થશે, જે સ્વતંત્રતા દિવસના વીકએન્ડને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યું છે.

ટી-સીરિઝ અને બાવેજા સ્ટુડિયોઝ દ્વારા મિડનાઇટ ચાઇ ફિલ્મ્સ લિ. સાથે મળીને બનાવવામાં આવેલી કેપ્ટન ઈન્ડિયા, કાર્તિક આર્યનની આવનારી ફિલ્મોની યાદીમાં સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્‌સમાંથી એક રહી છે.

આ ફિલ્મ મૂળ ૨૦૨૧માં જાહેર કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા.આ પ્રોજેક્ટ ખાસ રસપ્રદ એટલા માટે છે કારણ કે આ ફિલ્મના ડિરેક્ટર શિમિત અમીન ૧૭ વર્ષ પછી ફરી ફીચર ફિલ્મમેકિંગમાં કમબૅક કરી રહ્યા છે.

તેમની ફિલ્મોગ્રાફી ભલે નાની હોય, પરંતુ વર્ષાેથી તેમણે એક અલાયદો દર્શકવર્ગ મેળવ્યો છે. તેમણે ‘અબ તક છપ્પન (૨૦૦૪)’ જેવી ક્રાઈમ ડ્રામાથી ડિરેક્શનમાં ડેબ્યુ કર્યું હતું, પછી ‘ચક દે! ઈન્ડિયા (૨૦૦૭)’ જેવી લોકપ્રિય સ્પોટ્‌ર્સ ડ્રામા બનાવી અને પછી ‘રોકેટ સિંહઃ સેલ્સમેન આૅફ ધ યર (૨૦૦૯)’ ડિરેક્ટ કરી હતી, જે સમય સાથે કલ્ટ ફોલોવિંગ મેળવતી થઈ છે.

ઇન્ડસ્ટ્રીના અહેવાલો મુજબ, કેપ્ટન ઈન્ડિયા માટે લોકેશન રેકી પૂર્ણ થઈ ગઈ છે અને ૨૦૨૬ના પાછળના ભાગમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. ફિલ્મનું શૂટિંગ ભારત અને મોરોક્કોમાં થવાનું છે, જે તેના એક્શન-થ્રિલર સ્વરૂપ માટે મોટા પાયે પ્રોડક્શન ડિઝાઇન દર્શાવે છે.

આ ફિલ્મ હર્મન બાવેજા દ્વારા લખવામાં અને પ્રોડ્યુસ કરવામાં આવી છે. જ્યારે પ્લોટની વિગતો હજી ગુપ્ત રાખવામાં આવી છે, અગાઉના અહેવાલો મુજબ વાર્તા સત્ય ઘટનાઓ પરથી પ્રેરિત છે અને એક મોટા રેસ્ક્યુ મિશન પર આધારિત છે, જેમાં કાર્તિક આર્યન પાઇલટની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.જ્યારે કેપ્ટન ઈન્ડિયા ૨૦૨૧માં પહેલી વાર જાહેર થઈ હતી, ત્યારે ફિલ્મમેકર હંસલ મહેતા તેના દિગ્દર્શક તરીકે જોડાયેલા હતા.

હવે શિમિત અમીન દિગ્દર્શન કરી રહ્યા હોવાથી, પ્રોજેક્ટમાં મૂળ જાહેરાત પછી નોંધપાત્ર ફેરફાર થયો છે.કાર્તિક આર્યન માટે, કેપ્ટન ઈન્ડિયા તેના વ્યસ્ત ફિલ્મ લાઇનઅપમાં વધુ એક મોટી ફિલ્મ ઉમેરે છે. કાર્તિક આ ઉપરાંત અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત એક મ્યુઝિકલ સાગા સાથે પણ જોડાયેલો છે, જેનું નામ હજુ નક્કી નથી થયું. આ ફિલ્મ ૨૦૨૬ના બીજા ભાગમાં આવવાની અપેક્ષા છે અને હાલમાં તે મૃગદીપ સિંહ લામ્બા દ્વારા દિગ્દર્શિત નાગઝિલ્લા પર કામ કરી રહ્યો છે.

સ્વતંત્રતા દિવસના વીકએન્ડ પર રિલીઝ થતી ફિલ્મનો સમય હિન્દી સિનેમા માટે પરંપરાગત રીતે ખૂબ ફાયદાકારક રહ્યો છે અને હવે કેપ્ટન ઈન્ડિયા ૨૦૨૭માં એક મોટા દેશભક્તિ આધારિત ફિલ્મ તરીકે પોતાની જગ્યા બનાવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.