Western Times News

Gujarati News

મોતનો મલાજો પણ જાળવતા નથી પોલીસ કર્મચારીઓઃ PM રીપોર્ટ માટે 1 લાખ માંગ્યા

પ્રતિકાત્મક

દહેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયો: મૃતકના પરિવારને મરણના દાખલા માટે જરૂરી પોલીસ કાગળો આપવા બદલ લાંચ માંગી હતી

પોસ્ટમોર્ટમ રિપોર્ટ લેવો હોય તો એક લાખ પોલીસને આપવા પડે છે

ભરૂચ, રાજયમાં લાચ રૂશ્વતનું પ્રમાણ દિવસને દિવસે વધી રહ્યું છે અને તેમાંય સરકારી બાબુઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારમાં ગળાડુબ થઈ ગયા છે ક્યાંય સરકારી શાળામા ગરીબ બાળકોને સુવિધા આપવા માટે તો ક્યાંક મૃતકના પોસ્ટમોર્ટનો રિપોર્ટ લેવા માટે લાંચ માંગી રહ્યા છે.

દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા એસીબીએ છટકું ગોઠવી તેને રંગેહાથ ઝડપી પાડયો છે, અકસ્માત મોતના કિસ્સામાં મરણનો દાખલો મેળવવા માટે જરૂરી પંચનામા અને પીએમ રિપોર્ટની નકલ આપવાના બદલામાં લાંચની માંગણી કરનાર આર્મડ હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો છે.

દહેજની એક ખાનગી કંપનીમાં બાંધકામનું કામ કરતા શ્રમિકનું જાન્યુઆરી માસમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ અંગે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત (અ.મોત) નો ગુનો દાખલ થયો હતો, જેની તપાસ આર્મડ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકી કરી રહ્યા હતા.

મૃતકના પરિવારજનોને મરણનો દાખલો કઢાવવા માટે ગ્રામ પંચાયતમાં રજૂ કરવા પોલીસના કાગળો (અ.મોત જાહેરાત અને પીએમ નોટ)ની જરૂર હતી. આ દસ્તાવેજો આપવા માટે આરોપી કિરપાલસિંહે રૂ.૧,૦૦,૦૦૦/-ની મસમોટી લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી વાતચીતના અંતે લાંચની રકમ રૂ.૭૦,૦૦૦/- નકકી કરાઈ હતી. જોકે ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભરૂચ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે દહેજ પોલીસ સ્ટેશનના ‘વડદલા બીટ’ની ચેમ્બરમાં છટકું ગોઠવ્યું હતું.

ગત રોજ જયારે ફરિયાદી લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે વધુ રકઝક બાદ આરોપી કિરપાલસિંહે રૂ.૬૦,૦૦૦/- સ્વીકાર્યા હતા. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.