મરણ પ્રસંગની અંતિમવિધિ બાદ જવા નીકળેલા દંપતીનો અકસ્માતમાં વૃદ્ધાનું મોત
સીટીએમ બ્રિજ નીચે BRTS કોરિડોરમાં પીકઅપ વાનની ટક્કરથી યુવકનું મોત
બંને મિત્રો મટોડા ગામ પાસે પહોંચ્યા ત્યારે વાહનની ટક્કરથી આશીફનું મોત નિપજતા ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ, શહેરમાં બનેલી બે અકસ્માતોની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. કલોલમાં રહેતા વૃદ્ધ પતિ-પત્ની શહેરના શાહીબાગ ખાતે મરણ પ્રસંગમાં આવ્યા હતા. સંબંધીની અંતિમવિધિ પતાવીને બંને પતિ-પત્ની હીરાવાડી ગયા હતા. જ્યાંથી કલોલ જવા નીકળ્યા ત્યારે એસપી રિંગ રોડ પર એપોલો સર્કલ પાસે ટ્રેલરના ચાલકે ટક્કર મારતા બંને પતિ-પત્ની એક્ટિવા પરથી રોડ પર પટકાયા હતા. વૃદ્ધા પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં સીટીએમ બ્રિજ નીચે બીઆરટીએસ કોરિડોરમાં એક વ્યક્તિનું મોત નિપજતા ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કલોલમાં રહેતા ૬૫ વર્ષીય મહેન્દ્રકુમાર પટેલ રવિવારે સવારે શાહીબાગમાં રહેતા સાઢુભાઇના મરણપ્રસંગની અંતિમવિધિમાં ૬૩ વર્ષીય સીતાબેન સાથે એક્ટિવા લઇને આવ્યા હતા. વૃદ્ધ દંપતી મરણવિધિ પતાવીને હીરાવાડી ખાતેના મકાને ગયા હતા. જ્યાંથી એક્ટિવા પર કલોલ જવા નીકળ્યા હતા. વૃદ્ધ દંપતી એસપી રિંગ રોડ થઇને એપોલો સર્કલ પહોંચ્યા ત્યારે એક ટ્રેલરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા. મહેન્દ્રકુમારને ઇજાઓ પહોંચી હતી જ્યારે સીતાબેનના શરીર પરથી ટ્રેલરનું ટાયર ફરી વળતા સ્થળ પર મોત નિપજ્યું હતું.
આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. જ્યારે અન્ય બનાવની વિગત એવી છે કે ગત તા.૩ જૂને રામોલમાં રહેતો ૪૨ વર્ષીય પંકજ ગોહેલ સીટીએમ બ્રિજ નીચે બીઆરટીએસ કોરિડોરમાંથી રોડ ક્રોસ કરતો હતો. ત્યારે બોલેરો પીકઅપ વાનના ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફતેવાડીમાં રહેતો ૧૯ વર્ષીય આશીફ ધોબી તેના મિત્ર નઝીરહુસેન અંસારી સાથે જુહાપુરા ખાતે જમવાનું લેવા નીકળ્યો હતો બંને મિત્રો મટોડા ગામ પાસે પહોંચ્યા ત્યારે વાહનની ટક્કરથી આશીફનું મોત નિપજતા ચાંગોદર પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવની વિગત એવી છે કે ગીર સોમનાથમાં રહેતા કલ્પેશભાઇ બાંભણીયા તેમના મિત્ર નરેન્દ્રભાઇ પરમાર, સિધ્ધાર્થ જાદવ અને પંકજ કવા સાથે કડીપાણી ખાતે ફેબ્રિકેશનનું કામ કરવા કારમાં નીકળ્યા હતા. વટામણ ચોકડી પાસે ટ્રાફિકમાં ઉભા હતા ત્યારે પાછળથી આઇસરે ટક્કર મારતા તેમની ગાડી આગળ ઉભેલી ટ્રક સાથે અથડાતા ગાડી બે વાહનો વચ્ચે ચગદાઇ ગઇ હતી. આ ઘટનામાં નરેન્દ્ર પરમારનું મોત નિપજતા કોઠ પોલીસે તપાસ હાથ ધરી છે.SS1
