Western Times News

Gujarati News

સેટ2વિન ટેબલ ટેનિસ એકેડેમીનો અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટુર્નામેન્ટમાં દબદબો

20 મેડલ જીતી ખેલાડીઓએ સર્જ્યો ઇતિહાસ, વિવિધ વયજૂથમાં શાનદાર દેખાવ

અમદાવાદ  (પ્રતિનિધિ) શેલા સ્થિત ક્લબ ઓ-7 ખાતે 4થી 6 જૂન દરમિયાન યોજાયેલી પ્રથમ અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026માં સેટ2વિન ટેબલ ટેનિસ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કુલ 20 મેડલ્સ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વિવિધ વયજૂથમાં મળેલી આ સફળતાએ એકેડેમીને સ્પર્ધાની સૌથી સફળ એકેડેમીઓમાં સ્થાન અપાવ્યું છે.

STAG અને Seven Star Sports Ahmedabadના સહયોગથી કાર્યરત સેટ2વિન ટેબલ ટેનિસ એકેડેમીના ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શિસ્ત, રમત પ્રત્યેની નિષ્ઠા અને કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. એકેડેમીને કુલ 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 15 બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.અંડર-13 ગર્લ્સમાં ઝિનાલી પટેલે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે અંડર-13 બોયઝ અને અંડર-15 બોયઝ કેટેગરીમાં નક્ષ પટેલે ગોલ્ડ મેડલ મેળવી ડબલ સિદ્ધિ હાંસલ કરી હતી. શ્લોક દવે અને વત્સલ પટેલે સિલ્વર મેડલ જીત્યા હતા.

ઉપરાંત વિવાન શાહ, પાર્શ્વ શાહ, ઝીલ ભણશાણી, તવિશ પટેલ, અનય પટેલ, યુવરાજ આહલુવાલિયા સહિતના ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી એકેડેમીની સફળતામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઝિનાલી પટેલે અંડર-13 ઉપરાંત અંડર-15, અંડર-17, અંડર-19 અને મહિલા વર્ગમાં પણ મેડલ જીતી પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી હતી. વિવિધ વયજૂથમાં સતત મળેલી સફળતા એકેડેમીના સુવ્યવસ્થિત તાલીમ કાર્યક્રમની સાક્ષી બની છે.

એકેડેમીના હાર્દિક સર, પ્રકાશ સર, વિરલ સર, કૃષ્ણ સર અને પવન સરના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સતત સફળતા મેળવી રહ્યા છે. એકેડેમીની મુખ્ય શાખા સાયન્સ સિટી-હેબતપુર ખાતે આવેલી છે, જ્યારે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મણિનગર એલ.જી. ગ્રાઉન્ડ, રાણીપ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં તાલીમ કેન્દ્રો કાર્યરત છે.

આ પ્રસંગે એકેડેમી મેનેજમેન્ટે ખેલાડીઓની સિદ્ધિઓ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ પરિણામો સતત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને ખેલાડીઓના સમર્પણનું પરિણામ છે. સાથે જ માતા-પિતા અને શુભેચ્છકોના સહયોગ બદલ પણ આભાર વ્યક્ત કર્યો હતો.

એકેડેમી દ્વારા તમામ મેડલ વિજેતાઓ, ખેલાડીઓ, કોચિસ અને વાલીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ભવિષ્યમાં પણ વધુ ખેલાડીઓને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાના સંકલ્પ સાથે સેટ2વિન ટેબલ ટેનિસ એકેડેમી રમતગમત ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.