Western Times News

Gujarati News

મકરબા ફોર લેન રેલવે ઓવરબ્રિજનું કામ 31 જુલાઈ  સુધી પૂર્ણ કરવા કમિશનરની તાકીદ

અમદાવાદ  (પ્રતિનિધિ),  અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરવામાં આવી રહેલા મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મકરબા ખાતે નિર્માણાધીન ફોર લેન રેલવે ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

કમિશનરશ્રીએ પ્રોજેક્ટની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી તેમજ સ્થળ પર ચાલી રહેલી કામગીરી ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમિયાન કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને તાકિદ કરી હતી કે, મકરબા ફોર લેન રેલવે ઓવરબ્રિજની કામગીરી તા. 31 જુલાઈ, 2026 સુધીમાં પૂર્ણ કરવા માટે જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે. સાથે જ તેમણે નિર્માણ કાર્ય દરમિયાન આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે ટ્રાફિક મેનેજમેન્ટની અસરકારક વ્યવસ્થા જાળવવાની પણ તાકીદ કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગતિ આપવા માટે મકરબા બ્રિજની કામગીરી ઝડપભેર આગળ ધપાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ  AMC દ્વારા કુલ 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

મકરબા રેલવે ઓવરબ્રિજ પૂર્ણ થયા બાદ પશ્ચિમ અમદાવાદના મકરબા, વેજલપુર કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઈવે વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. હાલમાં રેલવે ફાટક પર વાહનચાલકોને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાથી વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે, પરંતુ બ્રિજ કાર્યરત બન્યા બાદ આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.

આમ, શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહેલા આવા આધુનિક અને સુવિધાસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો ભવિષ્યમાં શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ, ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.