સુરતના નાસિરનગરના ડિમોલિશન મુદ્દે HCમાં પિટિશન દાખલ
હજારો લોકો ડિમોલિશનના પગલે ઘરવિહોણા બની જવાની દહેશત
૧૯૭૩ ની કલમ ૪૪ મુજબ પણ કોઈપણ મકાનમાં પ્રવેશતા પહેલાં કબજેદારને ઓછામાં ઓછી ૨૪ કલાકની લેખિત નોટિસ આપવી અનિવાર્ય
અમદાવાદ,સુરતમાં ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહીનો મામલો હવે હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. સુરતના નાસિરનગરના ભૂતિયા ડિમોલિશનનો વિવાદ હાલ ખૂબ ચર્ચાસ્પદ છે અને ત્યારે આ ડિમોલિશનની કાર્યવાહી પર તાકીદે મનાઇ હુકમ આપવાની દાદ માંગવામાં આવી છે. આ મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાય એવી શક્યતા છે. સુરતના નાસિરનગરથી અરજદાર શેખ હુસૈન અઝીઝએ એડવોકેટ ઝમીર શેખ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં ગુજરાત રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, ડેપ્યુટી કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
અરજદારે સુરતના વેડ દરવાજા સ્થિત નાસિરનગર વસ્તીમાં છેલ્લા આશરે ૩૫ વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે. અરજદારના જન્મ પહેલાં તેમના પિતા પણ આ જ સ્થળે રહેતા હતા. તેઓ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતો પ્રોપર્ટી ટેક્સ પણ નિયમિતપણે ભરે છે. જેના પુરાવા તરીકે વર્ષ ૧૯૯૬, ૨૦૧૧ અને ૨૦૧૮ની મિલકત વેરાની રિસિપ્ટ્સ તેમજ વર્ષ ૨૦૦૬નું ટોરેન્ટ પાવરનું વીજળીનું બિલ અરજી સાથે સામેલ કરવામાં આવ્યું છે.અરજદારે એવી રજૂઆત કરી છે કે ૨૯મી મે, ૨૦૨૬ના રોજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલાએ કોઈપણ જાતની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના નાસિરનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.
બીજી જૂન, ૨૦૨૬ સુધીમાં ત્યાં આશરે ૧૫૦ જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અરજદારને ડર છે કે અન્ય મકાનોની જેમ તેમનું મકાન પણ તોડી પાડવામાં આવશે. વધુમાં, પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને એવી ધમકી આપવામાં આવી રહી છે કે જો તેઓ આ ડિમોલિશનની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો તેમની સામે ગુનાહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાસિરનગરમાં આશરે ૨૫૦ થી વધુ પરિવારો રહે છે અને આ કામગીરીથી તેઓ ઘરવિહોણા થઈ જશે.વધુમાં અરજદારે જણાવ્યું છે કે ભારતીય બંધારણ મુજબ કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં.
નોટિસ કે સાંભળવાની તક ન આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને મૂળભૂત હકોનો ભંગ થયો છે. જો આ જમીનને સરકારી કે જાહેર જગ્યા ગણવામાં આવે તો પણ ધ ગુજરાત પબ્લિક પ્રીમાઇસિસ એક્ટ, ૧૯૭૨ ની કલમ ચાર હેઠળ સક્ષમ અધિકારી દ્વારા રહીશોને લેખિતમાં શો કોઝ નોટીસ આપવી અને ઓછામાં ઓછા ૧૦ દિવસનો સમય આપવો ફરજિયાત છે. જે આ કેસમાં કરવામાં આવ્યું નથી.ધ ગુજરાત સ્લમ એરિયાઝ એક્ટ, ૧૯૭૩ ની કલમ ૪૪ મુજબ પણ કોઈપણ મકાનમાં પ્રવેશતા પહેલાં કબજેદારને ઓછામાં ઓછી ૨૪ કલાકની લેખિત નોટિસ આપવી અનિવાર્ય છે. આ વિવાદિત જમીન સરકારની વર્ષ ૨૦૧૩ની પુનર્વસન નીતિ હેઠળ આવરી લેવાયેલી છે. તેથી વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના આ પ્રકારે તોડફોડ કરવી ગેરકાયદે છે. અરજદારે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે કે સુરતના નાસિરનગર ખાતે ૨૮મી મે, ૨૦૨૬થી ચાલી રહેલી ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરી પર તાત્કાલિક સ્ટે આપવામાં આવે.ss1
