Western Times News

Gujarati News

બિનહરીફ ચૂંટાયેલા અને ભાજપે પક્ષના નેતા દીપકકુમાર મોદીએ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી

પ્રતિકાત્મક

દીપક મોદી બિનહરીફ ચૂંટાયા હતા

ગઈકાલ સવારે સાતેક વાગ્યે ચા-નાસ્તો કરીને તેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ આ દુઃખદ ઘટના બની હતી

વિસનગરના વોર્ડ નં.૧ ના નગરસેવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી

મહેસાણા,વિસનગર પાલિકાના વોર્ડ નં.૧માં બિનહરીફ ચૂંટાયેલા અને ભાજપે પક્ષના નેતા તરીકે નિયુક્ત કરેલા દીપકકુમાર મોદીએ સોમવારે સવારે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં ગણેશનગર સોસાયટીમાં રહેતા ભાજપના સેવાભાવી કાર્યકર તરીકેની છાપ ધરાવતા દીપકકુમાર ડાહ્યાલાલ મોદી (ઉં.વ.૫૪) તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માંથી બિનહરીફ ચૂંટાયા હતા.

ભાજપ દ્વારા તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે નિયુક્ત કરાયા હતા. સોમવારે સવારે તેમણે વિસનગરના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા રસ્તા પર સ્મશાન નજીકના નાળા પાસેથી પસાર થઈ રહેલી વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં આ ઘટનામાં તેમના માથા અને ધડનો ભાગ પણ અલગ થઈ ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને ભાજપના આગેવાનો સહિત નગરસેવકો તેમજ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિસનગર શહેર પોલીસ મથકના પીઆઈ કે.બી.પટેલ સહિત સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનું પીએમ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતદેહ પરિવારજનોને સોંપાતાં કલ્પાંતભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. મોટી સંખ્યામાં સ્નેહીજનો, આગેવાનો, નગરજનો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. પોલીસે તેમના પુત્ર મોહિતકુમારના નિવેદન આધારે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને હાલમાં તેમની પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી ન હોવાથી પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનો સહિતની પૂછપરછ સહિતની તપાસ હાથ ધરી છે. સવારે સાતેક વાગ્યે ચા-નાસ્તો કરીને તેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ આ દુઃખદ ઘટના બની હતી.ઉલ્લેખનિય છે કે, દીપકકુમાર મોદી આરએસએશ સાથે પણ જોડાયેલા હતા અને સક્રિય તેમજ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા આગેવાન હતા. તેમના પરિવારમાં એક પુત્રી અને બે પુત્રો છે. જેમાં એક પુત્રી અને પુત્ર તબીબ છે જ્યારે બીજો પુત્ર તબીબી અભ્યાસ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.