Western Times News

Gujarati News

ચોમાસામાં ઓઢવમાં 5, વિરાટનગરમાં 7 સહિત પૂર્વ ઝોનના 16 વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થશે

 નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઓઢવ ખાતે હાઈલેવલ પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિ. તંત્ર દ્વારા અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની ગુલબાંગો પોકારવામાં આવે છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન અને ડ્રેનેજ લાઈનો પણ નાંખવામાં આવતી હોવા છતાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી.

ચોમાસામાં શહેરના તમામ વિસ્તારો ખાસ કરીને પૂર્વ અમદાવાદના નાગરિકો માટે ચોમાસું દર વર્ષે એક આફત બની રહે છે.

દર વર્ષે ચોમાસા પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીના મસમોટા દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલ્લી પડી જાય છે.

દર વર્ષે ચોમાસામાં શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાવાને કારણે સહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

શહેરના નિકોલ વોર્ડમાં આવેલ મધુમાલતી ફ્લેટ, ઓઢવમાં ફાયર સ્ટેશન, અંબિકાનગર, ભિક્ષુકગૃહ, છોટાલાલની ચાલી, અર્બુદાનગર, ગણેશનગર, વગેરે વિસ્તારોમાં બે- ત્રણ દિવસથી સુધી પાણી ભરાયેલા રહેવાને કારણે રહિશોની હાલત ખૂબ જ કફોડી બની જાય છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઓઢવ ખાતે હાઈલેવલ પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ખુદ સત્તાધારી પક્ષના નેતાઓ અને અધિકારીઓએ સ્વીકારવું પડ્યું છે કે નિકોલ વિધાનસભા વિસ્તારમાં જ એવા 16 જેટલા મુખ્ય વોટર લોગિંગ સ્પોટ્સ (પાણી ભરાવાના સ્થળો) છે, જ્યાં વર્ષોથી પાણી ભરાય છે. જેમાં સૌથી વધુ વિરાટનગરમાં 7 અને ઓઢવમાં 5 સ્પોટ છે.

આ સિવાય ગોમતીપુર, અમરાઈવાડી, ઈન્દ્રપુરી અને ઠક્કરનગર જેવા વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ભૂતકાળમાં AMC દ્વારા વારંવાર વાયદા કરવામાં આવ્યા હતા કે પૂર્વ વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઈનો અને સ્ટોર્મ વોટર લાઈનો નાખીને પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બનાવી દેવાશે.

ખારીકટ કેનાલ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ હજુયે એવી સ્થિતિ એ છે કે બેઠકમાં અધિકારીઓએ `2 થી 3 કલાકમાં પાણી ઉતરી જશે’ તેવો બચાવ કરવો પડ્યો છે.

સ્થાનિકોનો આક્રોશ છે કે સામાન્ય વરસાદમાં પણ ગોમતીપુર ફાયર બ્રિગેડ રોડ, વિરાટનગર જીવરાજ પાર્ક ચોકઠું અને સીએમએસ ચાર રસ્તા જેવા વિસ્તારો બે-બે કલાક સુધી બેટમાં ફેરવાઈ જાય છે.

આને તંત્રની સફળતા કહેવાય કે ઘોર નિષ્ફળતા? જેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ તંત્ર કાયમી ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે.

નવા ભળેલા વિસ્તારો અને રીંગ રોડની આસપાસના રહેણાંક વિસ્તારોમાં આયોજન વિના થયેલા વિકાસના કારણે ડ્રેનેજ સિસ્ટમ ચોકઅપ થઈ ગઈ છે. કઠવાડા હોય કે નિકોલ, ચોમાસામાં માત્ર વરસાદી પાણી જ નહીં, પરંતુ ગટરના ગંદા પાણી પણ રસ્તાઓ પર ઉભરાય છે.

તંત્ર એટલું લાચાર છે કે મ્યુનિસિપલ કમિશનરે પોતે જ સ્વીકારવું પડ્યું કે જ્યાં પાણી અને ડ્રેનેજની કામગીરી ચાલુ છે ત્યાં નાગરિકોને ટેન્કર મારફતે પાણી સપ્લાય કરવું પડશે. સ્માર્ટ સિટીના નાગરિકોએ ટેન્કરના ભરોસે રહેવું પડે તે જ AMC ની નબળી કામગીરીનો પુરાવો છે.

તંત્રની ઢીલી નીતિ પર સ્થાનિકોની નજર

ખારીકટ કેનાલમાં 3 થી 7 કિલોમીટર લાંબી લાઈનો નાખવાના અને નવા પંપિંગ સ્ટેશનો કે પરકોલેશન વેલ બનાવવાના વાયદાઓ આ વર્ષે પણ બેઠકમાં ફરી એકવાર રજુ કરવામાં આવ્યા છે.

તંત્ર દ્વારા સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાની ખાતરી તો અપાઈ છે, પરંતુ ભૂતકાળના કડવા અનુભવોને જોતા પૂર્વ વિસ્તારના રહીશો હવે આ વાયદાઓ પર ભરોસો કરવા તૈયાર નથી.

ચોમાસું માથે છે ત્યારે આ વખતે પણ પૂર્વ ઝોનના નાગરિકો પાણીમાં ડૂબશે કે પછી AMC તેના વાયદા પાળી બતાવશે? સ્થાનિક જનતા હવે તંત્રની એક-એક કામગીરી પર બાજ નજર રાખીને બેઠી છે, કારણ કે વાયદાઓથી પેટ નથી ભરાતું 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.