Western Times News

Gujarati News

બિકાનેરની PBM હોસ્પિટલમાં સી-સેક્શન પછી 6 મહિલાઓને કિડની ફેલ થવાની સમસ્યા

ચેપ નહીં, વધુ રક્તસ્રાવ કે અંગોની નિષ્ફળતા કારણ હોઈ શકે : હોસ્પિટલ

૨૦થી ૨૭ વર્ષની વયની આ છ મહિલાઓને ડિલિવરી બાદ અચાનક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો

ડિલિવરી પછી વેન્ટિલેટર પર પહોંચી મહિલાઓ, ૬ની કિડની ફેલ

નવી દિલ્હી, રાજસ્થાનમાં માતૃત્વ આરોગ્ય સેવાઓને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કોટામાં સગર્ભા મહિલાઓના મોત અને ગંભીર ચેપના કેસો બાદ હવે બિકાનેરની પીબીએમ હોસ્પિટલમાં સી-સેક્શન (સિઝેરિયન ડિલિવરી) પછી છ મહિલાઓને કિડની ફેલ થવાની સમસ્યા સામે આવી છે. તમામ મહિલાઓને ગંભીર હાલતમાં ICUમાં દાખલ કરવામાં આવી છે અને તેઓ ડાયાલિસિસ પર છે.અહેવાલો અનુસાર, ૨૦થી ૨૭ વર્ષની વયની આ છ મહિલાઓને ડિલિવરી બાદ અચાનક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની સ્થિતિમાં કિડની ફેલ્યોર, પ્લેટલેટ્‌સમાં ઘટાડો, પેશાબ બંધ થવો અને અન્ય અંગોમાં તકલીફ જેવી સમસ્યાઓ જોવા મળી હતી.

ફલોદીની રહેવાસી પ્રીતિ સહિત તમામ મહિલાઓ હાલ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ છે.મહિલાઓના પરિવારજનોએ હોસ્પિટલ વહીવટીતંત્ર અને ડોક્ટરો પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, ઓપરેશન બાદ મહિલાઓની તબિયત સતત બગડતી રહી, પરંતુ સમયસર યોગ્ય સારવાર અને વ્યવસ્થા મળી નહોતી. ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જોકે, હોસ્પિટલના પ્રાથમિક તપાસ અહેવાલમાં ચેપને કારણ માનવામાં આવ્યું નથી. હોસ્પિટલના અધિકારીઓનું કહેવું છે કે, આ કેસ વધુ રક્તસ્રાવ, મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ અથવા અન્ય તબીબી ગૂંચવણો સાથે પણ સંબંધિત હોઈ શકે છે. હાલ નિષ્ણાત ડોક્ટરોની ટીમ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ દરમિયાન હોસ્પિટલની સુવિધાઓને લઈને પણ સવાલો ઊભા થયા છે. દર્દીઓ અને તેમના પરિવારજનોએ પાણીની અછત તેમજ વોર્ડમાં એર કન્ડીશનર અને કુલર બંધ હોવાની ફરિયાદ કરી છે. આ સ્થિતિ વચ્ચે સગર્ભા મહિલાઓની ગંભીર હાલતે રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને લઈને નવી ચર્ચા શરૂ કરી છે.મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મહિલાઓની સ્થિતિ બગડવાનું કારણ ચેપ, તબીબી ગૂંચવણો કે પછી કોઈ પ્રકારની બેદરકારી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.