Western Times News

Gujarati News

12 જૂન બાળ મજૂરી વિરોધ દિવસ: બાળપણ બચાવવાનો સંકલ્પ

‘પેન્સિલ’ પોર્ટલ અને પુનઃવસન: મુક્ત થયેલા બાળકોને શિક્ષણનો નવો આશરો

જનજાગૃતિની નવી લહેર: ‘સેવ ધ ચાઇલ્ડ’ અભિયાનમાં અમદાવાદીઓની ભાગીદારી

આલેખન- સંજય શુક્લા, પ્રાદેશિક માહિતી કચેરી

બાળપણ એ કુદરતની સૌથી સુંદર ભેટ છે, જ્યાં રમવા-કૂદવાની અને ભણવાની ઉંમરે જ્યારે માસૂમ હાથોમાં કામના ઓજારો આવી જાય છે ત્યારે માત્ર એક બાળકનું ભવિષ્ય જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ રોકાઈ જાય છે. દર વર્ષે 12 જૂનના રોજ મનાવવામાં આવતો ‘બાળ મજૂરી વિરોધ દિવસ’ આપણને આ સામાજિક દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવાની યાદ અપાવે છે. આ દિશામાં ગુજરાત સરકાર અને ખાસ કરીને અમદાવાદ શહેરે જે પ્રશંસનીય કામગીરી કરી છે, તેની સાફલ્યગાથા દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.

અમદાવાદ એક મોટું ઔદ્યોગિક હબ હોવાને કારણે અહીં બાળ મજૂરી રોકવી એક મોટો પડકાર હતો. પરંતુ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, પોલીસ તંત્ર અને ચાઇલ્ડ લાઇનના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદમાં બાળ મજૂરી વિરૂદ્ધ એક વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી છે. હોટલો, ગેરેજ, બાંધકામ સાઇટો અને નાના કારખાનાઓ પર અચાનક દરોડા પાડીને સેંકડો બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં ભરીને અમદાવાદ પ્રશાસને સાબિત કર્યું છે કે બાળકોનું સાચું સ્થાન કારખાનામાં નહીં પણ શાળામાં છે.

સરકારની સાફલ્યગાથા માત્ર બાળકોને મુક્ત કરાવવા પૂરતી સીમિત નથી, પરંતુ તેમના સાચા પુનઃવસન સુધી વિસ્તરેલી છે. સરકારના ‘PENCiL’ (Platform for Effective Enforcement for No Child Labour) પોર્ટલ અને રાષ્ટ્રીય બાળ શ્રમ પ્રકલ્પ અંતર્ગત અમદાવાદમાં ખાસ તાલીમ કેન્દ્રો અને શાળાઓ શરૂ કરવામાં આવી છે. અહીં બાળકોને મફત શિક્ષણ, પૌષ્ટિક ભોજન, ગણવેશ અને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત શાળાઓમાં પણ આવા વંચિત બાળકોને વિશેષ પ્રવેશ આપીને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું ભગીરથ કાર્ય થયું છે.

કોઈપણ સરકારી અભિયાન ત્યારે જ સફળ થાય છે જ્યારે તેમાં જનતાનો સાથ મળે. અમદાવાદના નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) અને વેપારી મંડળોએ આ લડાઈને પોતાનું જનઆંદોલન બનાવી દીધું છે. આજે અમદાવાદની અસંખ્ય ચાની કીટલીઓ, હોટલો અને દુકાનો પર “અહીં બાળ મજૂર રાખવામાં આવતા નથી” તેવા બોર્ડ ગર્વથી લાગેલા જોવા મળે છે. વહીવટી તંત્રની મક્કમતા અને જનતાની જાગૃતિના કારણે જ અમદાવાદ આજે બાળ મજૂરી નાબૂદી તરફ મજબૂત કદમ વધારી રહ્યું છે.
PENCIL (Platform for Effective Enforcement for No Child Labour) એ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ એક ઓનલાઇન પોર્ટલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાંથી બાળ મજૂરીને સંપૂર્ણ નાબૂદ કરવાનો છે. આ પોર્ટલની મુખ્ય કામગીરી ઓનલાઇન ફરિયાદ જેમા કોઈપણ નાગરિક દેશના કોઈપણ ખૂણેથી બાળ મજૂરી અંગેની ફરિયાદ આ પોર્ટલ પર નોંધાવી શકે છે.

ફરિયાદ નોંધાયા બાદ સિસ્ટમ આપોઆપ તેને સંબંધિત નોડલ ઓફિસર સુધી પહોંચાડે છે.બાળકોનું ટ્રેકિંગ જેમાં બાળ મજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકો અને કિશોરોનો ડેટાબેઝ તૈયાર કરી, તેમના પુનર્વસનની સ્થિતિ પર નજર રાખવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ મજૂર પ્રોજેક્ટ (NCLP) આ યોજનાના અસરકારક અમલીકરણ દ્વારા મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

તેમજ આ પોર્ટલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટી તંત્ર અને પ્રોજેક્ટ સોસાયટીઓ વચ્ચે સીધો સેતુ રચે છે. જેમાં વધુ માહિતી માટે અથવા બાળ મજૂરી અંગે ફરિયાદ નોંધાવવા માટે તમે PENCIL Portal ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

અમદાવાદ શ્રમ આયુક્ત વિભાગ દ્વારા ડિસેમ્બર-2025 ના જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે બાળ મજૂરી નાબૂદી માટે સરકારી તંત્ર અને ટાસ્ક ફોર્સ સતત સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. અહેવાલ મુજબ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને પાટણમાં ટાસ્ક ફોર્સ દ્વારા કુલ 185 રેડ અને 3215 જેટલી વ્યાપક તપાસ (નિરીક્ષણ) હાથ ધરવામાં આવી હતી.

આ સઘન કામગીરી દરમિયાન કુલ 188 જેટલા બાળ અને તરુણ શ્રમિકોને મુક્ત કરાવી તેમના નિર્દોષ બાળપણને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરાયો છે. જેમાં સૌથી વધુ 50 બાળકો પાટણમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. 12 જૂન ‘બાળ મજૂરી વિરોધ દિવસ’ નિમિત્તે આ આંકડા આપણને યાદ અપાવે છે કે કાયદાકીય કડકાઈ અને ટાસ્ક ફોર્સની સક્રિયતાથી જ શોષણનો ભોગ બનતા બાળકોને નવું જીવન આપી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.