Western Times News

Gujarati News

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણઃ ૨૬૦ જિંદગીઓ હોમાઈ

File Photo

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં અસારવા સિવિલ હોસ્પિટલ પાસે એક વર્ષ પહેલાં તા.૧રમી જૂન ર૦રપના રોજ એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાને યાદ કરી આજે પણ સ્થાનિક નાગરિકોમાં કંપારી છૂટી જાય છે.

૧૨મી જૂન, ૨૦૨૫. ગુરુવારની એ કાળમુખી બપોર… અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપાર્ટ પર એ દિવસે સામાન્ય ચહલપહલ હતી. અનેક પરિવારો પોતાના વ્હાલસોયા પરિજનોને વળાવવા આવ્યા હતા. કોઈ લંડનમાં સ્થાયી થવાના સપનાં સાથે, કોઈ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તો કોઈ વેકેશન માણવા ફ્‌લાઇટ પકડવાનું હતું.

પરિજનોએ આંખોમાં આશા અને હોઠ પર સ્મિત સાથે પોતાના સ્વજનોને છેલ્લીવાર ‘આવજો’ કહ્યું. ઍરપાર્ટથી હજુ તો પરિજનો ખુશી-ખુશી ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યાં જ જાણે આભ તૂટી પડ્‌યું. સમાચાર મળ્યા કે, જે વિમાનમાં તેમના કાળજાના ટુકડા સવાર હતા, તે ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે.

આ ભયાનક વિમાન દુર્ઘટનાને આજે પૂરા ૧૨ મહિના થઈ ગયા છે, પરંતુ અસારવાની બી. જે. મેડિકલ કાલેજની જે કેન્ટિન (મેસ) પર આ પ્લેન ખાબક્યું હતું, તેના વાતાવરણમાં આજે પણ એ ભયાનકતા અને દહેશત અનુભવાય છે.

એક સમયે ભવિષ્યના ડૉક્ટરોની અવરજવરથી સતત ધમધમતું આ પરિસર આજે સૂમસામ ભાસે છે. જ્યાં વિદ્યાર્થીઓ કિલકિલાટ વચ્ચે ભોજન લેતા હતા, તે બળીને ખાક થયેલી મેસમાં આજે માત્ર ભેંકાર શાંતિ છે. મેસની બહાર ઊભેલું એ લીલુંછમ વૃક્ષ આજે પણ અડધું બળેલું ઊભું છે – જાણે એ પણ એ ભયાનક અગ્નિકાંડની મૂક સાક્ષી પૂરી રહ્યું હોય. આ અકસ્માતે માત્ર જીવ જ નથી લીધા, અનેક પરિવારોનો આશરો અને છાંયડો પણ હંમેશ માટે છીનવી લીધો છે.

વિમાન સીધું જ મેડિકલ કાલેજની મેસ પર ખાબકતાં ક્ષણવારમાં કુલ ૨૬૦ માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ. વિમાનમાં સવાર ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ મેમ્બર્સ તો કાળનો કોળિયો બન્યા જ, પણ ગ્રાઉન્ડ ઝીરો પર મેસમાં જમી રહેલા મેડિકલના ૪ તેજસ્વી વિદ્યાર્થી સહિત કુલ ૧૯ લોકોના પણ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા.

આજે પણ મેસના એ આગની જ્વાળાઓથી કાળા મેશ થઈ ગયેલા ઓરડા, વળી ગયેલા પંખા, પીગળી ગયેલા એસીના પતરા અને બ્લાસ્ટ થયેલા ગેસના બાટલા જોઈને પથ્થર હૃદયનો માણસની આંખમાં પણ આંસુ આવી જાય. બહાર પાર્ક કરેલા વિદ્યાર્થીઓના વાહનો આજેય સળગેલી હાલતમાં પોતાના માલિકોની રાહ જોતા ઊભા હોય તેમ લાગે છે.

અમદાવાદમાં એર ઈન્ડિયાની છૈં-૧૭૧ ફ્‌લાઇટ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આ ભયાનક અકસ્માતના એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમાર રમેશ માટે જાણે સમય હજુ પણ ૧૨ જૂન, ૨૦૨૫ના દિવસ પર જ અટકી ગયો છે. અકસ્માતમાંથી ચમત્કારિક રીતે બચી ગયેલા વિશ્વાસકુમાર આજે પણ શારીરિક પીડા, માનસિક આઘાત, આર્થિક મુશ્કેલીઓ અને પોતાના ભાઈના વિયોગના દુઃખ સામે લડી રહ્યા છે.

૩૭ વર્ષીય વિશ્વાસકુમાર દુર્ઘટના બાદ સારવાર માટે અને પોતાના પરિવાર સાથે રહેવા માટે ૧૫ સપ્ટેમ્બરે બ્રિટન પરત ફર્યા હતા. તે સમયે મીડિયાએ તેમને ‘વિશ્વના સૌથી નસીબદાર વ્યક્તિ’ તરીકે રજૂ કર્યા હતા, પરંતુ તેમના માટે આ બચાવ કોઈ ખુશીનો વિષય નથી. તેમના નાના ભાઈ અજય રમેશનું પણ આ દુર્ઘટનામાં મોત થયું હતું.

વિશ્વાસકુમાર માત્ર એટલા માટે બચી ગયા હતા કે તેમની બેઠક ૧૧છ ઈમરજન્સી એક્ઝિટની બાજુમાં હતી. વિશ્વાસકુમાર કહે છે, મારા માટે સૌથી મુશ્કેલ બાબત એ છે કે મારો ભાઈ હવે મારી સાથે નથી. દુર્ઘટનાની વરસી એ ખોટને ફરી જીવંત કરી દે છે. હું જીવિત છું તે બદલ આભારી છું, પરંતુ એ દિવસે મારા જીવનનો એક ભાગ હંમેશ માટે ખોવાઈ ગયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.