ગાંધીનગરમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનો તમાશો
રવિવારે સવારે ૬.૩૦ કલાકે જયારે બધા આ ઇવેન્ટમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે અવ્યવસ્થાનો અનુભવ થયો.
ગુજરાતીમાં એક કહેવત છે કે ‘કોડે મુઆ(મર્યા) ને કુતરે તાણ્યા’ આ કહેવતને સાચી પાડે એવો અનુભવ ગાંધીનગરના સાયકલ પ્રેમીઓને ગત તા. ૩જી જુનને બુધવારે ‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે થયો.
બન્યુ એવું કે કેન્દ્ર સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા “ફિટ ઇન્ડિયા” અભિયાન અંતર્ગત ‘માય ભારત’ (એટલે કે અગાઉનું નહેરુ યુવા કેન્દ્ર) અને સ્પોટ્ર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(સાઈ)ના સંયુક્ત નેજા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર પાસે સાયકલોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચાલુ દિવસ હોવાથી ઓછો રિસ્પોન્સ મળતા ઇવેન્ટ તા.૭મી જુન રવિવારે ખસેડવામાં આવી હતી. આ માટે ‘માયૈ ભારત'(એટલે કે નહેરુ યુવા કેન્દ્ર) દ્વારા વ્યક્તિગત અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના રજીસ્ટ્રેશન પણ પરાણે કરાવવામાં આવ્યાં હતા. રવિવારે સવારે ૬.૩૦ કલાકે જયારે બધા આ ઇવેન્ટમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે અવ્યવસ્થાનો અનુભવ થયો.

(૧)-પહેલાં સ્ટેજ પર ઝૂમ્બા ડાન્સ વગેરે કરવાયાં પછી
(૨) સાયકલ રેલીના ફ્લેગ ઓફનુ નાટક થયું ત્યારબાદ
(૩)-આયોજનના સંયોજક તેમજ અન્ય મહાનુભાવો ગાયબ થઇ ગયા.
(4)-મર્યાદિત સાયકલોની વ્યવસ્થા હતી તે લઈને સાયકલ સવારો નીકળ્યા પણ
(5) તેમણે સાયકલ કઈ તરફ ચલાવીને લઇ જવાની છે, તેનો કોઈ રૂટ ચાર્ટ કે રૂટ નિર્દેશક સાઈન બોર્ડ પણ નહોતા.તેથી બધાએ પોતપોતાની રીતે સાયકલ ચલાવી અને કહેવાતી સાયકલ રેલી પુરી થઈ.
કે. એલ. એન. રાવને કેમ કાયમી ડી.જી.પી. ન બનાવાયા?

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યના ઈનચાર્જ પોલીસ વડા તરીકે પાંચ માસથી ફરજ બજાવતા ડો.કે.લક્ષ્મીનારાયણ રાવને ખસેડીને તેમની જગ્યાએ તેઓથી એક વર્ષ જુનિયર જી.એસ.મલેકને મુકવામાં આવ્યા છે.આવું કેમ બન્યું?તેનો જવાબ સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવો મળે છે કે
(૧)ઃ-ડો.રાવ સરકારના પ્રીતિપાત્ર ક્યારેય નહોતા એટલે તો સરકાર દ્વિધામાં હોવાને કારણે વિકાસ સહાયને છેલ્લી મિનિટે મુદત વધારો અપાયો હતો.
(૨)ઃ-રાવને પોલીસ વડાનો ચાર્જ અપાયો ત્યારે તેઓને અજમાવી જોવા માટે જ અપાયો હતો
(૩) – રાવ જેલના વડા હતાં ત્યારે ઉત્તર પ્રદેશના ખ્યાતનામ ગુંડા અતિક અહેમદ પ્રત્યે કુણું વલણ રાખ્યાનુ પણ કહેવાય છે
(૪)ઃ-આ આક્ષેપના સંદર્ભે હર્ષ સંઘવીએ જાતે સર્ચ ઓપરેશન કરવુ પડયુ હોવાનું કહેવાય છે
(૫)ઃ-સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા વડોદરામાં દારૂ અંગે દરોડો પડાયો ત્યારે વડોદરાના એક વહીવટદારનું નામ ખુલતા એ વહીવટદારના કહેવાથી દરોડા પાડનાર અધિકારીઓની બદલી ડાંગ અને પોલીસ એકેડેમીમાં કરી દેવાઈ હતી ત્યારે પોલીસ બેડામાં એવું ચર્ચાયું કે સેલ મોટું કે વહીવટદાર? અને છેલ્લે
(૬)ઃ- ગુનેગારોના વરઘોડા નહીં નીકળે એવો રાવે કરેલો આદેશ પણ તેમને નડી ગયો! આ રીતે રાવને આપવામાં આવેલી એક તક પણ (પોતાના સ્વભાવને કારણે) તેઓએ વેડફી નાંખી છે એમ સચિવાલયમાં સર્વત્ર ચર્ચાય છે.
ઋષભ વિજય રૂપાણી પૂરતા પરીપકવ છે અને લાંબી રેસના ઘોડા છે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સદ્ગત વિજય રૂપાણીની પ્રથમ પૂણ્યતિથિ નિમિત્તે તેમનો એકમાત્ર પુત્ર ઋષભ રૂપાણી મીડિયા સમક્ષ ઉપસ્થિત થયો ત્યારે તેણે જે નિવેદન આપ્યું તે તેની (લોહીમાં ઉતરેલી) પરિપક્વતાની છડી પોકારતું નિવેદન હતું.
વિજય રૂપાણી અપરિમિત પરિપકવ હતાં.ઋષભે જ્યારે મીડિયા સમક્ષ વિજય રૂપાણીના વારસા વિશે પુછાયું ત્યારે ઋષભે ઠાવકાઈથી એવો જવાબ આપ્યો કે વિજય રૂપાણી સંગઠનના માણસ હતા એટલે પક્ષનો દરેક કાર્યકર્તા વિજય રૂપાણીનો વારસ ગણાય.
પોતાની હાલ જે ઉંમર છે તે કરતાં આશરે ૨૦-૨૫ વર્ષ મોટો હોય એવી પરિપક્વતાથી મિડિયાનો સામનો કરતા ઋષભ વિજય રૂપાણીને જોઈને એવું અનુમાન કરી શકાય કે ઋષભ રૂપાણી ગુજરાત ભા.જ.પ.ના રાજકારણમાં લાંબી રેસનો ઘોડો છે હોં!
જગદીશ પંચાલ પ્રમુખપદ ભૂલીને ધારાસભ્ય તરીકે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવા દોડી ગયા!

ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અમદાવાદનાં નીકોલના ધારાસભ્ય પણ છે.આ હોદ્દાની રૂએ પંચાલ અમદાવાદમાં ભરાતાં પાણીની સમસ્યાના નિરાકરણ અંગે મ્યુનિસિપલ કમિશનરને મળવા અને તેમની સાથે બેઠક કરવા દોડી ગયા હતા.આ બનાવ અંગે ગાંધીનગર સચિવાલયમાં એવી ચર્ચા થાય છે કે અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપની સંપૂર્ણ સત્તા હોય અને
(૧)ઃ-મેયર હિતેશ બારોટ(૨)ઃ-ડે.મેયર અંજુ શાહ(૩)ઃ-સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ(૪)ઃ-પક્ષના નેતા જશુ ઠાકોર અને
(૫)ઃ-દંડક અતુલ મિશ્રા કોર્પોરેશનમાં સત્તા પર બેઠાં હોય અને તેમ છતાં પક્ષના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને પોતાના મતવિસ્તારના કામની રજુઆત કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને મળવા દોડી આવવું પડે એ ઘટના આ પદાધિકારીઓ માટે શોચનીય અને શરમજનક ન ગણાય?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળ અંગે ભાજપની પત્રકાર પરિષદ
ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રમાં ગુજરાતનો એક બુલંદ અવાજ (સરદાર વલ્લભભાઈ પટેલ પછી) પ્રગટાવનારા નરેન્દ્ર મોદીનાં ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેનાં ૧૨ વર્ષ પુરા થયા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી (પૂર્વ મુખ્યમંત્રી સદ્ગત વિજય રૂપાણીની પ્રથમ પૂણ્ય તિથિના દિવસે જ) તા.૧૨/૦૬/૨૬ના રોજ કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનની કેટલીક ખટમધુરી વાતો આ પ્રમાણે છે
(૧)ઃ-આ પત્રકાર પરિષદને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ના.મુ.મંત્રી હર્ષ સંઘવી,પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે સંબોધી હતી
(૨)ઃ- ‘મિડિયા સંવાદ’ એવું રૂપાળું નામ અપાયું હોવા છતાં કોઈ પ્રશ્નોતરી રાખવામાં આવી ન હતી

(૩)ઃ-પ્રદેશ સહ પ્રવક્તા પ્રશાંત વાળા રાબેતા મુજબ સૌ મિડિયા કર્મીઓની સરભરા અંગે સક્રિય અને ચિંતિત હતા.
(૪)ઃ- મુખ્યમંત્રીએ પોતાની સિક્યોરિટી દૂર રાખી હોવાને કારણે પત્રકારો મુક્તમને ભૂપેન્દ્ર પટેલને મળી શકતા હતા.
(૫)ઃ-પત્રકાર પરિષદ પછી પત્રકારોએ જગદીશ પંચાલને કહ્યું કે આયોજન બહુ લાંબુ થઈ ગયું હોં, તો પંચાલે હસતા હસતા કહ્યું કે નરેન્દ્ર મોદીનો કાર્યકાળ પણ ખાસ્સો મોટો છે ને? ટૂંકમાં આ પત્રકાર પરિષદ કરતા તો પત્રકાર મિલન હતું એમ કહેવાનું લોકો વધું પસંદ કરે તો તેઓને ખોટા ગણવામાં મુશ્કેલી પડે એવી સ્થિતિ છે.
