Western Times News

Gujarati News

લોકનૃત્ય રજૂ કરતી બહેનને જોઈ મેલેનિયા દંગ થયા

(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ)  નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી લોકસંસ્કૃતિ રજૂ કરતી બહેનોએ બહુ અદ્‌ભુત રીતે માથા પર ઘડો મૂકીને ગરબે ઘૂમી સ્વાગત કરતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પ ભારે આશ્ચર્યચકિત અને દંગ રહી ગયા હતા.


ખાસ કરીને મેલેનિયા ટ્રમ્પ તો એકીટસે ગરબે ઘૂમતી આ બહેનોને નજીકથી નિહાળી ગુજરાતી લોક નૃત્યનો આનંદ લીધો હતો. મેલેનિયા ટ્રમ્પ લોકનૃત્ય કરતી બહેનોના માથા પર ઘડા અને તેની સાથે ગરબા જોઈને ભાવવિભોર થઈ ગયા હતા. તેઓ એકી ટસે ફોક ડાન્સર્સને જોઈ રહ્યા હતા તેની તસ્વીરો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તે નોંધનીય ઘટના બની રહી હતી. આજે સવારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે લગાવીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતની સાંસકૃતિક ઝાંખીઓ કરાવતું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પના સ્વાગત દરમ્યાન અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ, પુત્રી ઈવાન્કા ટ્રમ્પ, જમાઈ જેરેક કુશનર અને અન્ય અમેરિકી અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત સહિત ભારતભરના ૧૦૦૦થી વધુ કલાકારોએ શંખનાદ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇથી સ્વાગત કર્યું હતું.

એરપોર્ટ પર અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, જામ ખંભાળીયા, સાબરકાંઠા, જૂનાગઢ, છોટા ઉદેપુર, જોરાવર નગર, ભરુચ, ડાંગ, સુરેન્દ્રનગર, પોરબંદર વગેરે સ્થળોના પરંપરાગત નૃત્યો કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના એરક્રાફ્‌ટથી ઉતરીને એરપોર્ટની બહાર નીકળ્યા ત્યાં સુધી આ કલાકરોએ પર્ફોમન્સ કહ્યું હતું. ટ્રમ્પ-મેલેનિયા માટે ભારતભરના લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રાજસ્થાનનું અંગીઘર નૃત્ય, પશ્ચિમ બંગાળનું ચહુ નૃત્ય, અસામનું બીહુ નૃત્ય, ઉત્તરપ્રદેશનું મયૂર નૃત્ય, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રનું થંગરીગજા ડાન્સ, કેરળનું કથકલી સહિતના કલાકારો ટ્રમ્પ-મેલેનિયાના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યાં હતા.

તો, મોદી- ટ્રમ્પના ૨૨ કિલોમીટર ભવ્ય રોડ શો દરમ્યાન પણ દેશના વિભિન્ન રાજ્યોમાંથી તેમની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ટ્રમ્પના રોડ શો દરમિયાન પુત્રી ઈવાન્કા, જમાઈ જેરેક કુશનર અને તેના ઉચ્ચ અધિકારીઓ ભારતની સાંસ્કૃતિક ઝલક જોઇ આશ્ચચર્યચકિત અને પ્રભાવિત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.