અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગોમાં ઘટાડો નોંધાયો :કોલેરાના ઝીરો કેસ
જાન્યુઆરીથી જુન સુધીમાં 8.12 લાખથી વધુ લોહીના નમૂનાઓની તપાસ અને ડેન્ગ્યૂની તપાસ માટે 22,685 સીરમ સેમ્પલ લીધા
અમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોને નિયંત્રણમાં રાખવા માટે હાથ ધરવામાં આવેલી સતત સર્વેલન્સ અને નિવારક કામગીરીના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.
જેમાં વર્ષ 2025ની સરખામણીએ વર્ષ 2026 દરમિયાન નોંધાયેલા મચ્છરજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જ્યારે પાણીજન્ય રોગોની સ્થિતિ પણ મોટા ભાગે નિયંત્રણમાં જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 1 જાન્યુઆરીથી 14 જૂન, 2026 સુધી શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને અન્ય ચેપી રોગોના કેસો ગત વર્ષની સરખામણીએ ઓછા નોંધાયા છે.
આ અંતર્ગત જૂન-2025 દરમિયાન સાદા મેલેરિયાના 75 કેસ નોંધાયા હતા, જ્યારે જૂન-2026માં (1 થી 14 જૂન સુધી) માત્ર 8 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધી કુલ 93 સાદા મેલેરિયાના કેસ નોંધાયા છે, જ્યારે વર્ષ 2025ના સમાન સમયગાળામાં આ સંખ્યા 915 જેટલી હતી. જૂન-2026 દરમિયાન ફેલ્સીપેરમ મેલેરિયાના (ઝેરી મલેરિયા)ના એકપણ કેસ નોંધાયો નથી, જ્યારે જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધી કુલ 13 કેસ નોંધાયા છે,
જે તે જ સમયગાળામાં વર્ષ 2025માં 206 જેટલા કેસો નોંધાયા હતા. ડેન્ગ્યુના કેસોમાં પણ જૂન 2025માં 23 કેસો અને જાન્યુઆરીથી ડિસેમ્બર 2025માં 1591 કેસો નોંધાયા હતા, જે ઘટીને જૂન 2026માં 5 કેસો થયા અને જાન્યુઆરી થી જૂન 2026 દરમિયાન 143 જેટલા કેસો નોંધાયા હતા, જે મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે જ રીતે ચિકનગુનિયાનો જૂન-2026 દરમિયાન માત્ર 1 કેસ અને જાન્યુઆરીથી 14 જૂન સુધી કુલ 2 કેસ નોંધાયા છે. જે ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન 19 જેટલા કેસો નોંધાયા હતા.
આ ઉપરાંત રોગચાળાની દેખરેખ માટે આરોગ્ય વિભાગ દ્વારા મોટા પાયે લોહીના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂન-2025 દરમિયાન 1,70,936 લોહીના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે જૂન-2026ના પ્રથમ 14 દિવસમાં જ 33,775 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધી કુલ 8,12,189 લોહીના નમૂનાઓની તપાસ કરવામાં આવી છે.
જયારે જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન 20,58,462 લોહીના નમૂના લેવામાં આવ્યા, જે આ વર્ષે જાન્યુઆરી થી જૂન 2026 સુધીમાં 8,12,189 લોહીના સેમ્પલ્સ લેવામાં આવ્યા. ડેન્યુની તપાસ માટે સીરમ સેમ્પલની તપાસ પણ સતત હાથ ધરવામાં આવી રહી છે.
ચાલુ વર્ષે જૂનની 1થી 14 તારીખ દરમિયાન 1,545 સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે, જયારે ગત વર્ષે જૂન 2025માં 4,429 જેટલા સેમ્પલ્સ તપસ્યા હતા. જાન્યુઆરીથી જૂન વર્ષ 2026માં અત્યાર સુધીમાં કુલ 22,685 સીરમ સેમ્પલ ચકાસવામાં આવ્યા છે, જયારે ગત વર્ષે 75,745 જેટલા સીરમ સેમ્પલ્સને ચકાસવામાં આવ્યા.
પાણીજન્ય રોગોના આંકડાઓ પર નજર કરીએ તો જૂન-2026 દરમિયાન ઝાડા-ઉલટીના 385 કેસ નોંધાયા છે, જે ગત વર્ષ 2025માં 709 કેસો નોંધાયા હતા. તેમજ જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધી કુલ 2,745 કેસ નોંધાયા છે, જયારે ગત વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન 6,104 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ગત વર્ષે જૂન 2025માં કમળાના 303 કેસો નોંધાયા હતા અને આખા વર્ષ 2025 દરમિયાન 3,148 નોંધાયા હતા.
જયારે ચાલુ વર્ષે જૂન 2026માં કમળાના 33 કેસ નોંધાયા છે અને વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 337 કેસ નોંધાયા છે. તેમજ ગત વર્ષે જૂન 2025માં 456 ટાઈફોઈડ કેસો અને આખા વર્ષ 2025 દરમિયાન 4,193 કેસો નોંધાયા છે. જયારે જૂન-2026માં 88 કેસ નોંધાયા છે, જ્યારે જાન્યુઆરીથી 14 જૂન સુધી કુલ 811 કેસ નોંધાયા છે.
આ જ રીતે કોલેરાનો જૂન 2025માં 12 કેસો નોંધાયા હતા અને આખા વર્ષ દરમિયાન 107 કેસો નોંધાયા હતા. જે એકપણ કેસ જૂન-2026માં અને જાન્યુઆરીથી 14 જૂન 2026 સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી, જે આરોગ્ય વિભાગ માટે રાહતજનક બાબત ગણાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મોનસૂન પૂર્વે અને મોનસૂન દરમિયાન રોગચાળાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો સામે નિયંત્રણ માટે સર્વેલન્સ, સેમ્પલિંગ, ક્લોરિનેશન, ફોગિંગ તથા જનજાગૃતિ અભિયાન જેવી વિવિધ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે, જેના પરિણામે શહેરમાં રોગચાળાની સ્થિતિ મોટા ભાગે નિયંત્રણમાં હોવાનું આરોગ્ય વિભાગના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.
