ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ પૂર્ણ થવાને આરે
ગીત માટે સૌથી ભવ્ય સેટની તૈયારી
વિશાળ સ્તરે ડીઝાઈન થયેલા આ ગીતના દ્રશ્યમાં ભણસાલીની શૈલી મુજબની ભવ્યતા હશે તેવો દાવો કરાયો
મુંબઈ, સંજય લીલા ભણસાલીની રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત અતિ અપેક્ષિત પીરિયડ ફિલ્મ ‘લવ એન્ડ વોર’ નિર્માણના અંતિમ તબક્કામાં દાખલ થઈ છે. ત્રણેય મુખ્ય કલાકારો ૧૮ જૂને ફિલ્મના સૌથી ભવ્ય સીક્વન્સ, રોયલ પામ્સ ખાતે ભવ્ય ગીતના સેટ પર એકત્ર થશે. મૂળ આઠમી જૂને નિર્ધારીત શૂટમાં કોરીયોગ્રાફી, કોસ્ચ્યુમ અને વિસ્તૃત પ્રોડક્શન ડીઝાઈનને સમાવિષ્ટ કરતી વ્યાપક તૈયારીને કારણે વિલંબ થયો છે. વિશાળ સ્તરે ડીઝાઈન થયેલા આ ગીતના દ્રશ્યમાં ભણસાલીની શૈલી મુજબની ભવ્યતા હશે તેવો દાવો કરાયો છે.
પ્રોજેક્ટ ફરતે ગોપનીયતા જાળવી રાખવા સર્જકોએ ગુપ્તતા જાળવવાના સખત પગલા લીધા છે. જેમાં સેટ પરથી માહિતી બહાર જતી રોકવા પાંચસોથી વધુ કરારો પર સહી કરવામાં આવી છે.શૂટિંગમાં વિલંબના કારણે ફિલ્મની રીલિઝ વારંવાર ઠેલાતી રહી છે. હવે લેટેસ્ટ જાહેરાત મુજબ ફિલ્મ ૨૦૨૭ની શરુઆતમાં રીલિઝ કરાશે. ss1
