પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અને DRMએ ગુજરાતના મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવ સાથે બેઠક યોજી
અમદાવાદ, પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે અને અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ સાથે આજે તા. 16.06.2026ના રોજ શિષ્ટાચાર મુલાકાત અને સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન રાજ્યમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, યાત્રી સુવિધાઓના વિસ્તાર, વિવિધ રેલવે પ્રોજેક્ટોની પ્રગતિ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
બંને પક્ષોએ રેલવે પ્રોજેક્ટોના સમયબદ્ધ અમલીકરણ તથા જનહિતના કાર્યોને વધુ ગતિ આપવા માટે પરસ્પર સંકલન મજબૂત રાખવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે અમદાવાદ, સાબરમતી સહિતના અમૃત ભારત સ્ટેશનોના પુનર્વિકાસ કાર્યોની પ્રગતિ તેમજ વિવિધ સંકલન સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેએ ગુજરાતમાં પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહેલા મુખ્ય વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી તથા ડીઆરએમ શ્રી વેદ પ્રકાશે અમદાવાદ મંડળમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટો અને મુસાફર સુવિધાઓના આધુનિકીકરણ તથા ઉન્નયન સંબંધિત પહેલોની માહિતી આપી હતી.
બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી અને રાજ્યમાં સુરક્ષિત, આધુનિક તથા વિશ્વસ્તરીય રેલ સેવાઓના વિકાસ માટે પરસ્પર સહયોગ અને સંકલન જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
