ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ છ હોટલો સીલ કરવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરમાં અગ્નિ સુરક્ષા તથા જીવન સુરક્ષાના ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ફાયર સેફ્ટી સુવિધાઓમાં રહેલી ગંભીર ખામીઓ દૂર કરવા સંચાલકોને એક સપ્તાહ અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી.
તેમ છતાં નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી સુધારાત્મક કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા ગત રાત્રિ 16/06/2026 ના રોજ છ હોટલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ ફાયર વિભાગ ઘ્વારા હોટેલ રોયલ સ્ક્વેર, ન્યૂ યોર્ક ટાવર, એસ.જી. હાઈવે, થલતેજ વોર્ડ, હોટેલ 4 ફૂડ, થલતેજ વોર્ડ, હોટેલ કેપ્રેશન, થલતેજ વોર્ડ, એપોલો હોટેલ, બોડકદેવ વોર્ડ, હોટેલ લેક ઇન, ગુરુકુલ રોડ, વસ્ત્રાપુર તેમજ હોટેલ ગ્રાન્ટ ઇન, બોડકદેવ વોર્ડ સીલ કરવામાં આવી છે.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા વારંવાર સૂચના તથા નોટિસો આપવામાં આવ્યા બાદ પણ ફાયર સેફ્ટી સંબંધિત આવશ્યક જોગવાઈઓનું પાલન કરવામાં ન આવતા ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા સંબંધિત જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ નાગરિકોની જાનમાલની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે છે અને તમામ હોટલો, વ્યાવસાયિક સંકુલો તેમજ જાહેર ઉપયોગની ઇમારતોના સંચાલકોને ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરે છે. નિયમોના ઉલ્લંઘન સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
