Western Times News

Gujarati News

શાહપુરની મહિલા પાસેથી વિઝાના બહાને ૯.૨૩ લાખ પડાવી લેવાયા

બંને ઠગે અન્ય દેશની વર્ક પરમિટનો લેટર અને મુદત પૂર્ણ થઇ ગયેલા વિઝા મોકલ્યા

રૂપિયા પરત માગતા આરોપીઓએ બહાના બતાવતા આખરે મહિલાએ આ મામલે બંને ઠગ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ,શાહપુરની મહિલાને કેનેડામાં રહેતી મહિલા અને નેધરલેન્ડમાં રહેતા ગઠિયાએ વર્ક પરમિટ વિઝા કઢાવી આપવાનું જણાવીને રૂ. ૯.૨૩ લાખ પડાવ્યા હતા. બંને ઠગોએ બીજા દેશની વર્ક પરમિટનો લેટર મોકલીને નેધરલેન્ડના વિઝા મોકલ્યા હતા. પરંતુ તેની તારીખ પણ પૂર્ણ થઇ ગઇ હતી. જેથી રૂપિયા પરત માગતા બંને લોકોએ બહાના બતાવતા આખરે મહિલાએ આ મામલે બંને ઠગ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શાહપુરમાં રહેતી ૪૯ વર્ષીય મહિલાને વર્ક પરમિટ પર વિદેશ જવું હોવાથી કેનેડામાં રહેતી બહેનનો સંપર્ક કર્યાે હતો. જેમાં તેને મૂળ આણંદ અને હાલમાં કેનેડામાં રહેતી દિપ્તી મેકવાનનો નંબર આપ્યો હતો. બાદમાં દિપ્તીએ ભોગ બનનાર મહિલાને પોર્ટુગલ દેશમાં વર્ક પરમિટ પર મોકલી આપવા જણાવ્યું હતું. તેમાં કિચન હેલ્પરનું કામ અપાવવાનો પણ વાયદો કર્યાે હતો. જેથી મહિલાએ હા પાડતા દિપ્તીએ હું અને મારો મિત્ર કુલવિંદરસિંગ ઉર્ફે કમલ ભલ્લા વિદેશમાં વર્ક પરમિટ અપાવવાનું કામ કરીએ છીએ તેમ કહ્યું હતું.

બાદમાં કુલવિંદરસિંગે મહિલાને ફોન કરીને પોર્ટુગલ દેશમાં વર્ક પરમિટ, વિઝા અને ટિકિટનો કુલ ખર્ચ રૂ. ૮ લાખ જણાવ્યો હતો. જેથી મહિલાએ પ્રોસેસ કરવાનું કહેતા કમલે ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા. બાદમાં બંનેએ ભેગા મળીને વિઝા ફી સહિતના અલગ અલગ ચાર્જ પેટે રૂ. ૯.૨૩ લાખ પડાવી લીધા હતા. જે બાદ વર્ક પરમિટ અને વિઝા ન આવતા મહિલાએ ફોન કરતા ગલ્લા તલ્લા કરીને બીજા દેશની વર્ક પરમિટનો લેટર મોકલ્યો હતો.

જે બાદ પણ નેધરલેન્ડના વિઝા મળી ગયાના સ્ટીકરવાળો ફોટો મોકલ્યો હતો. તેમાં વિઝાની તારીખ પણ પૂર્ણ થઇ ગઇ હતી. જેથી ઠગાઇની જાણ થતાં મહિલાએ આ મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલવિંદરસિંગ ઉર્ફે કમલ ભલ્લા અને દિપ્તી મેકવાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.