Western Times News

Gujarati News

કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સગીરની આત્મહત્યા

મોડી રાત્રે લોકઅપમાં પડેલી ચાદરથી માનસિક રીતે વ્યથિત બનેલા સગીરે ગળેફાંસો ખાધો

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ  વચ્ચે અનેક ગંભીર બનાવો બની રહયા છે શહેરમાં ટ્રમ્પની મુલાકાતને પગલે સમગ્ર પોલીસતંત્ર હાઈએલર્ટ પર હતું અને શહેરભરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત જાવા મળતો હતો આ ઉપરાંત કંટ્રોલ રૂમમાં પણ ખાસ અધિકારીઓને ફરજ પર તૈનાત રખાયા હતાં


આ દરમિયાનમાં ગઈકાલે મોડી સાંજે શહેરના રાયપુર વિસ્તારમાં એક યુવતિની મશ્કરી કરતા સગીરને સ્થાનિક લોકોએ પકડીને માર માર્યા બાદ કાગડાપીઠ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો પોલીસે આ સગીરને લોકઅપમાં પૂર્યો હતો પરંતુ રાત્રિ દરમિયાન સગીરે લોકઅપમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા બીજીબાજુ મરનાર સગીરના પરિવારજનોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ પોલીસ ઉપર મારમાર્યાનો આક્ષેપ પણ કર્યો હતો. સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર ગુનાઓ બની રહયા છે જેના પગલે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે અને કોઈપણ સ્થળે બબાલ થાય તો તરત જ પહોંચી જાય છે આ પરિસ્થિતિમાં  ગઈકાલે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. શહેરના રાયપુર વિસ્તારમાં આવેલા બીગબજારની પાછળ હિરાલાલની ચાલીમાં રહેતો જીગ્નેશ રમણભાઈ સોલંકી નામનો ૧૭ વર્ષનો સગીર છેલ્લા ઘણા સમયથી આજ વિસ્તારમાં રહેતી એક યુવતિને પસંદ કરતો હતો અને તેના એક તરફા પ્રેમમાં પડી ગયો હતો જેના પરિણામે જીગ્નેશ આ યુવતિને પામવા માટે પ્રયાસો કરતો હતો આ દરમિયાનમાં ગઈકાલે મોડી સાંજે જીગ્નેશ યુવતિની પાસે પહોંચ્યો ત્યારે અચાનક જ બોલાચાલી શરૂ થઈ હતી જેના પરિણામે સ્થાનિક નાગરિકો એકત્ર થઈ ગયા હતાં.

યુવતિએ બુમાબુમ કરતા એકત્ર થયેલા નાગરિકોમાં ભારે રોષ જાવા મળતો હતો અને સમગ્ર ઘટનાક્રમ જાણતા નાગરિકો ઉશ્કેરાઈ ગયા હતાં અને તેમણે જીગ્નેશને પકડી માર માર્યો હતો આ દરમિયાનમાં કેટલાક લોકો વચ્ચે પડયા હતા અને જીગ્નેશને પોલીસને હવાલે કરી દેવા જણાવ્યું હતું ત્યારબાદ સ્થાનિક નાગરિકોએ ૧૦૦ નંબર પર જાણ કરતા પોલીસ કંટ્રોલે આ સમગ્ર ઘટના અંગે કાગડાપીઠ પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ ગણતરીની મીનીટોમાં જ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કાગડાપીઠ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને જીગ્નેશની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતાં.


જીગ્નેશ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે તેને લોકઅપમાં પુરી દીધો હતો આ સમગ્ર ઘટનાક્રમથી જીગ્નેશ માનસિક રીતે ખુબજ વ્યથિત બની ગયો હતો રાત્રે તે લોકઅપમાં હતો ત્યારે તે ખૂબ જ વ્યથિત જણાતો હતો આ દરમિયાનમાં રાત્રિના સમયે તેણે લોકઅપમાં રહેલી ચાદરથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બીજીબાજુ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને જીગ્નેશના મૃતદેહને નીચે ઉતાર્યો હતો પોલીસ લોકઅપમાં જ સગીરની આત્મહત્યાથી પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં અને સૌ પ્રથમ જીગ્નેશના પરિવારજનોને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં

જીગ્નેશના પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચી ગયો હતો. જીગ્નેશના બનેવી પણ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને પરિવારજનોએ પોલીસ અધિકારીઓ સમક્ષ રોષ વ્યકત કર્યો હતો બીજીબાજુ દરેક પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે અને તે તપાસતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલી જાવા મળી હતી. સગીર વયના બાળકના અપમૃત્યુથી તમામ પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયા હતા બીજીબાજુ પરિવારજનોના હોબાળાના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતાં અને ન્યાયની માંગણી કરી હતી જેના પગલે ઉચ્ચ અધિકારીઓએ પરિવારજનોનો રોષ ઓછો કરવા માટે તથા આ ઘટનાની તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવાની ખાતરી આપી હતી.

કાગડાપીઠ પોલીસ સ્ટેશનના લોકઅપમાં સગીરે કરેલી આત્મહત્યાની ઘટનાથી સમગ્ર પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે ઉચ્ચ
પોલીસ અધિકારીઓએ આ સમગ્ર ઘટના અંગે માહિતી મગાવી છે આ ઘટનાના પગલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રાતભર ભારે ઉહાપોહ જાવા મળ્યો હતો અને પોલીસે જીગ્નેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવુ જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.