Western Times News

Gujarati News

લઘુમતી સમાજને લઘુમતી કલ્યાણ યોજનાઓનો લાભ આપવામાં વડોદરા જિલ્લા વહીવટી તંત્રે દેશમાં નોંધપાત્ર કામગીરી કરી છે: શ્રી સુનીલ સીંઘી

વડોદરા :  શહેરની કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે જૈન, મુસ્લિમ, શીખ, પારસી, ઈસાઈ, બુદ્ધ જેવા લઘુમતિ સમાજના કલ્યાણ માટે કાર્યરત પ્રધાનમંત્રી ૧૫ સુત્રીય કાર્યક્રમની સમીક્ષા બેઠક નેશનલ માઈનોરીટી કમિશનના સદસ્ય શ્રી સુનીલ સીંઘીની અધ્યક્ષતામાં મળી હતી. વડોદરા શહેર- જિલ્લા લઘુમતિ સમાજ માટે વિવિધ કલ્યાણકારી યોજનાની અમલવારી અંગે સંતોષ વ્યક્ત કરતા શ્રી સીંઘીએ કહ્યુ કે,  દેશના લઘુમતિ સમાજ માટે એક સમયે ૧૫૦૦-૧૬૦૦ કરોડ જેટલુ બજેટ ફાળવવામાં આવતુ હતું

જે પ્રવર્તમાન ભારત સરકારે વધારીને ૫૦૦૦ કરોડ જેટલુ માતબર બજેટ ફાળવ્યું છે. આ બજેટનો મહત્તમ ભાગ  લઘુમતિ સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે ખર્ચ કરવામાં આવે છે. સાથે જ શ્રી સીંઘીએ લઘુમતિ સમાજના અગ્રણીઓની રજૂઆતો-પ્રશ્નો સાંભળ્યાં હતા અને તેમના દ્વારા રજૂ કરાયેલા રચનાત્મક સૂચનોની નોંધ લીધી હતી. તેમણે જિલ્લા કલેક્ટરશ્રીને અભિનંદન આપવાની સાથે આ કામગીરીને વધુ સિસ્ટેમેટિક અને અસરકારક બનાવીને વ્યાપ વધારવા સૂચન કર્યું હતું.

ધાર્મિક લઘુમતિઓમા મુસ્લિમ, ઉપરાંત ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈનનો સમાવેશ થાય છે. વડોદરા જિલ્લામાં કેન્દ્ર સરકારની લઘુમતિઓ માટેની શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ રૂા. ૩.૨૩ કરોડ જેટલી માતબર રકમની સ્કોલરશીપ ચૂકવવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત વડોદરા શહેરમાં  પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લઘુમતિ અરજદારોને ૨૬૫૯ જેટલા આવાસ ફાળવવામાં આવ્યા છે, ૬૦૫ જેટલા આવાસ ફાળવવામાં માટે તૈયાર થઈ ચૂક્યા છે. અને ૧૪૨૮ જેટલા આવાસ બનાવવામાં આવી રહ્યા છે.

વધુમાં શ્રી સીંધીએ વડોદરા જિલ્લામાં લઘુમતિ સમાજ માટે જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા કરાયેલી કામગીરી અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, દેશના ૧૭૬ જિલ્લાનો પ્રવાસ ખેડ્યો છે અને ત્યાંના પ્રશાસન દ્વારા લઘુમતિ સમાજ માટે કરાતી કામગીરીની સમીક્ષા કરી છે. તેની સરખામણીમાં વડોદરા જિલ્લામાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઘુમતિ સમાજને સવિશેષ મળ્યો છે. જે વિવિધ યોજનાના અમલવારીના આંકડા ઉપરથી પ્રતીત થઈ રહ્યું છે. તેમણે ખાસ કરીને લઘુમતિ સમુદાયમાં આવતા જૈન, ખ્રિસ્તી અને શીખ જેવા સમુદાયોમાં લઘુમતી કલ્યાણ યોજનાઓની જાણકારી વધે અને આ વર્ગોના લભાર્થી વધે તે માટે ખાસ કેમ્પસ યોજવા જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને છેવાડાના લોકોમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી-જાગૃતિનો અભાવ જોવા મળે છે. ત્યારે આ માટે રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમમાં લઘુમતિ સમાજની યોજનાકીય જાણકારી અને લાભ મળી રહે તે માટે એક અલાયદા ટેબલની વ્યવસ્થા કરવામાં આવે, સાથે જ જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ લોકોને યોજનાકીય જાણકારી સરળતાથી મળી રહે તે માટે પ્રશાસન અને  સમાજના અગ્રણી સાથે મળીને કેમ્પ યોજવામાં આવે જેથી લોકો જાણકારી અને યોજનાઓનો મહત્તમ લાભ મળવી શકે. તેમ શ્રી સીંઘીએ જણાવ્યું હતું.

લઘુમતિ સમાજના અને સામાજિક-સેવાકીય સંસ્થાઓનો અગ્રણીશ્રીઓએ યોજનાઓના લાભ માટે જરૂરી પ્રમાણપત્રો એક સાથે જ મળી રહે, રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની પ્રક્રિય વહેલી શરૂ કરવામાં આવે, યોજનાઓના પ્રચાર-પ્રસાર માટેના બુકલેટ-પેમ્પલેટ લોકોને મળી રહે, યોજનાકીય લાભ માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવે તેવા રચનાત્મક સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીન ઉપાધ્યય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, અધિક નિવાસી કલેક્ટર ડી.આર. પટેલ, પોલિસ અધિક્ષક શ્રી દિપક મેઘાણી, જિલ્લા આયોજન અધિકારી શ્રી રાવલ સહિત વિવિધ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.