Western Times News

Gujarati News

સાયબર સિક્યુરિટી બાબતે નાગરિકોએ જાગૃત બનવું જોઇએ : બચુભાઇ ખાબડ

દાહોદ, તા. ૦૨ : પોલીસ મુખ્ય કેન્દ્ર, દાહોદના જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે સાઇબર સિક્યુરીટી અને એથીકલ હેકીગ સેમીનાર યોજાયો હતો. આ ક્ષેત્રના નિષ્ણાત શ્રી મનિષ જૈને દાહોદ નગરના જિજ્ઞાસુ નાગરિકો અને પોલીસ કર્મચારીઓને આ બાબતે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોએ સાયબર સિકયુરીટી બાબતે જાગૃત બનવું જોઇએ તેમ જણાવ્યું હતું.

ઉક્ત સદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, સાયબર સિક્યુરીટીએ ફક્ત દાહોદ જ નહિ, સમગ્ર વિશ્વ સામું પડકાર સમાન છે. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા ગુજરાત પોલીસના સાયબર આશ્વસ્થ અને વિશ્વાસ પ્રોજેકટ લોન્ચ કરીને સાયબર ક્રાઇમ અને સાયબર સિકયોરીટીની દિશામાં મક્કમ પગલા લેવામાં આવ્યા છે. નાગરિકો દ્વારા સ્માર્ટ ફોન અને ડિઝિટલ ટ્રાન્સેક્શન વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની આ પહેલ આવકાર્ય છે. નાગરિકોએ પણ આ બાબતે જાણકાર બનવું જોઇએ અને ડિઝિટલ પ્લેટફોર્મનો સમજી વિચારીને ઉપયોગ કરવો જોઇએ. સાયબર ક્રાઇમનો ભોગ બનીએ તો બને તેટલી ત્વરાથી પોલીસને જાણ કરવી જોઇએ.

આ પ્રસંગે જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, સાયબર સિક્યોરિટીની દિશામાં નાગરિકોની જાગૃકતા જરૂરી છે. નાગરિકો જેટલા જાગરૂક હશે તેટલાં સાયબર ક્રાઇમથી સલામત રહી શકશે. ખાસ કરીને ઓનલાઇન ટ્રાન્સેક્શનમાં જે છેતરપીંડી થાય છે તેને ઘણા અંશે નિવારી શકાય છે.

જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસરે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના નાગરિકોએ સાયબર ગુનાઓ બાબતે માહિતગાર બનવું જોઇએ અને તાત્કાલીક પોલીસનો સંપર્ક સાધવો જોઇએ. આ માટે પોલીસ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે જે શાળા કોલેજોમાં સાયબર ક્રાઇમ વિશે વિદ્યાર્થીઓને સમજ આપશે. ઉપરાંત એસપી ઓફીસ ખાતે મોબાઇલ સેફ્ટી માટે એક મશીન મુકવામાં આવશે જેનો જિલ્લાના નાગરિકો ટૂંક જ સમયમાં ઉપયોગ કરી શકશે.

સર્વ ધર્મ કર્મ સમાદર સમિતિના શ્રી નલિનભાઇ ભટ્ટે જિલ્લામાં સાયબર સિક્યોરિટીની જાગૃતિ બાબતના કાર્યક્રમો આવકાર્ય છે અને વધુમાં વધુ નાગરિકોએ તેનો લાભ લેવો જોઇએ તેમ જણાવ્યું હતું.    દાહોદ જિલ્લા પોલીસ, સર્વ ધર્મ કર્મ સમાદર સમિતિ, સુરક્ષા સેતુ સોસાયટીના સયુક્ત ઉપક્રમે અને ભારત સરકાર સાથે સલગ્ન સ્વર્ણિમ સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. કાર્યક્રમમાં પદાધિકારી શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, લીડ બેન્ક મેનેજરશ્રી, સુરક્ષા સેતુ સોસાયટીના અધ્યક્ષશ્રી, અગ્રણી શ્રી શેતલભાઇ કોઠારી, બેન્ક કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.