Western Times News

Gujarati News

દિલ્હી હિંસા પ્રશ્ને સંસદમાં બીજા દિવસે પણ ધાંધલ ધમાલ

નવી દિલ્હી: સંસદના બંને ગૃહોમાં આજે દિલ્હી હિંસાને લઇને ભારે હોબાળો થયો હતો જેથી કામગીરી ખોરવાઈ ગઈ હતી. વિપક્ષ દ્વારા હિંસાને લઇને ચર્ચા કરવાની માંગણી કરવામાં આવી હતી. બીજી બાજુ સરકારે આજે કહ્યું હતું કે, દિલ્હી પોલીસે રાષ્ટ્રીય પાટનગરની કોમી હિંસાના સંદર્ભમાં સંડોવાયેલા સેંકડો લોકોની ધરપકડ કરી લીધી છે.


સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અફવાઓને રોકવા અને ઉશ્કેરણીજનક પ્રચારને રોકવાના પ્રયાસ થઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લેખિત પ્રશ્નના જવાબમાં લોકસભામાં કહ્યું હતું કે, દિલ્હી પોલીસે રાષ્ટ્રીય પાટનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને  જાળવવા માટે વિવિધ પગલા લીધા છે. પુરતા ફોર્સની સાથે પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ૭૬ કંપનીઓ કેન્દ્રીય સશસ્ત્ર  દળની તૈનાત કરવામાં આવી છે. ૧૨૦થી વધુ એફઆઈઆર તોફાની તત્વો સામે નોધવામાં આવી ચુકી છે.

સીસીટીવી ફુટેજ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અપરાધીઓને પકડી પાડવા માટે લોકો પાસેથી વિડિયો પણ મંગાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ઉપર નજર રાખવામાં આવી રહીછે. હિંસાગ્રસ્ત વિસ્તારમાં હજુ પણ સીઆરપીસીની કલમ ૧૪૪ અમલી રાખવામાં આવી છે. લોકોની અંદર વિશ્વાસ જગાવવા માટે આ વિસ્તારોમાં ફ્લેગમાર્ચની પ્રક્રિયા ચાલી રહી છે.

સ્થાનિક શાંતિ સમિતિઓની બેઠકો યોજાઈ હતી. જુદા જુદા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ અસરગ્રસ્ત વિસ્તારો પહોંચી રહ્યા છે. ભારે ધાંધલ વચ્ચે આજે દિલ્હીમાં સંસદની કામગીરી ખોરવાઈ હતી. વિપક્ષ દ્વારા ચર્ચા કરાવવાની માંગ કરવામાં આવી હતી જેના પર સરકાર હોળી બાદ ચર્ચા કરવા સહમત થઇ છે. દિલ્હી હિંસાને લઇને લોકસભા અને રાજ્યસભામાં મડાગાંઠની સ્થિતિ  અકબંધ રહી હતી. હવે હોળીબાદ ચર્ચા કરવામાં આવશે. ચર્ચાની માંગને લઇને અડી ગયેલા વિપક્ષની ધાંધલ ધમાલ અને ધક્કામુક્કી વચ્ચે કમગીરી બે વખત સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાની કામગીરી બે વખત મોકૂફ કરાયા બાદ અંતે દિવસભર માટે મોકૂફ કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.