Western Times News

Gujarati News

પાટણના ગાંધી સ્મૃતિ હૉલ ખાતે આગામી તા.૦૭ માર્ચના રોજ મહિલા રોજગાર ભરતી મેળો યોજાશે

માહિતી બ્યુરો,પાટણ:પાટણ જિલ્લાની મહિલા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પાટણના રાજમહેલ રોડ પર આવેલા ગાંધી સ્મૃતિ હૉલ ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૦૭ માર્ચના રોજ ખાનગીક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ધો.૧૦થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતી ફક્ત મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાશે.

વિશ્વ મહિલા દિનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહિલાઓને પણ રોજગારીની સમાન તકો પ્રાપ્ત થાય તે માટે પાટણ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ફક્ત મહિલા રોજગારવાંચ્છુઓ માટે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણના રાજમહેલ રોડ પર આવેલા ગાંધી સ્મૃતિ હૉલ ખાતે તા.૦૭ માર્ચના રોજ સવારે ૧૦ કલાકથી યોજાનાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ઓપરેટર, ટ્રેઈની, લાઈન ઓપરેટર, ઈન્સ્યોરન્સ એડવાઈઝર, ટેલી કોલર, કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ, ફિલ્ડ વર્કર, કાનુની નિષ્ણાંત, એકાઉન્ટન્ટ અને સેલ્સ મેનેજર સહિતની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ખાનગી ક્ષેત્રમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ માટે ધો.૧૦ પાસ, આઈ.ટી.આઈ., ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતી ૧૮ થી ૩૫ વર્ષની ફક્ત મહિલા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ શકશે. જ્યાં સ્થળ પર જ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા ખાલી પડેલી જગ્યાઓ માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.

મહિલા રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતી મહિલા ઉમેદવારોએ તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો, બે ફોટોગ્રાફ તથા ૩ થી ૪ નકલમાં બાયોડેટા સાથે સ્વખર્ચે ઈન્ટરવ્યુમાં ઉપસ્થિત થવાનું રહેશે. રોજગાર કચેરી ખાતે નામ નોંધણી ન કરાવેલી હોય તેવી મહિલા ઉમેદવારો પણ મહિલા રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.