Western Times News

Gujarati News

વિરમગામમાં નિકળી ભગવાન જગન્નાથની ૩૭મી ભવ્ય રથયાત્રા

વિરમગામ, અષાઢીબીજે વિરમગામ શહેર સહિત રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી હતી. વિરમગામ શહેરના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક રામ મહેલ મંદિરથી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજતા મહંત રામકુમારદાસ બાપુ, ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ સહિત સાધુ સંતો, આગેવાનોએ રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ.

હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની આ ભવ્ય રથયાત્રામાં જોડાઇ હતી. રથયાત્રામાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ જોડાયાં હતા. સમગ્ર રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિર મા કોણ છે રાજા રણછોડ છે.

વિવિઘ ગગનભેદી નાદ સાથે વિરમગામ શહેર જય જગન્નાથ ના રંગ મા રંગાયુ હતું. આ રથયાત્રા વિરમગામ શહેરનાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી કાસમપુરા, વખારફળી, સુથારફળી, વી.પી.રોડ ગોલવાડી દરવાજા, બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ભરવાડી દરવાજા, પાનચકલા, ચોક્સી બજાર, બોરડી બજાર, ટાવર થઇ સાંજે નિજ મંદિર પહોંચી હતી. રથયાત્રા દરમ્યાન મગ, જાંબુ, કાકડીના પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું. રથયાત્રામા સાઘુ-સંતો, ભજન મંડળીઓ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શ્રી બજરંગી અખાડા સહિતના અખાડાઓ દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવ્યા હતા અને સીદી બાદશાહ દ્વારા કરવામાં આવેલ કરતબો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત રથયાત્રા રૂટ પર ઠેકઠેકાણે પાણી પરબ, નાસ્તા, પ્રસાદ સહિત સેવા કેન્દ્રોએ સેવા આપી હતી. વિરમગામ રાજમાર્ગો પર ભગવાન જગન્નાથ નગરચર્યા કરી સાંજે નિજ મંદિરે પરત ફર્યા હતા. વિરમગામ શહેરમાં રથયાત્રા ને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તમામ ગતિવિધિઓ પર વોચ રાખી મોનીટરીંગ કરવામા આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.