Western Times News

Gujarati News

કાલુપુર રેલવે પોલીસની સતર્કતાથી અપહ્યુત બાળકીનો છુટકારો

રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી ભાગેલો શખ્સ મહેસાણા રેલવે સ્ટેશન પર ઉતરતા જ પોલીસે ઝડપી લીધો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે કાલુપુર રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમાં ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થતાં જ પોલીસ સક્રિય બની હતી અને તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરતા સીસીટીવી કેમેરામાં બાળકીનું અપહરણ કરીને લઈ જતો શખ્સ નજરે પડતા પોલીસે તાત્કાલિક આ શખ્સને ઝડપી લઈ માસુમ બાળકીનો હેમખેમ છુટકારો કરાવતા બાળકના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો પોલીસે આરોપીની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે આ અંગે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાંથી લાપત્તા બનતા બાળકોને શોધી કાઢવા માટે શહેર પોલીસતંત્ર હાઈએલર્ટ છે અને આવા બાળકોને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે બાળકો લાપત્તા થવાની ઘટનાથી રાજય સરકારે પણ આવા બાળકોને પરત લાવવા માટે ખાસ વિભાગ શરૂ કર્યો છે અને તેમાં સફળતા પણ મળી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે રાત્રે ૧૧.૦૦ વાગ્યે એક દંપતી વલસાડ જવા માટે આવ્યુ ંહતું પતિ-પત્નિ વચ્ચે તકરાર થતાં જ તેનો લાભ એક શખ્સે ઉઠાવ્યો હતો અને ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી પલાયન થઈ ગયો હતો જેના પગલે તેના પરિવારજનોએ ભારે શોધખોળ શરૂ કરી હતી ત્રણ વર્ષની બાળકીને કોઈ ઉઠાવી ગયુ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી

માસુમ બાળકી લાપત્તા થતાં જ પોલીસતંત્ર સક્રિય બની ગયું હતું અને કાલુપુર રેલવે સ્ટેશન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી સુરક્ષાના કારણોસર કાલુપુર રેલવે સ્ટેશન પર ઠેરઠેર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલા છે અને તમામ પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે બાળકી લાપત્તા થવાની ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક તમામ સીસીટીવી કેમેરાના કુટેજ ચેક કરવાના શરૂ કર્યાં હતા જેમાં એક શખ્સ આ બાળકીને લઈ પ્લેટફોર્મ નં. ૧ પરથી ઉપડતી ટ્રેનમાં બેસતો જાવા મળ્યો હતો

જેના આધારે રેલવે પોલીસે તાત્કાલિક આ ટ્રેનના રેલવે સ્ટેશનો પર પોલીસને એલર્ટ કરી દીધી હતી દરમિયાનમાં મોડી રાત્રે ત્રણ વર્ષની બાળકીને લઈ મહેસાણા રેલવે સ્ટેશન પર ઉતરતો જાવા મળ્યો હતો જેના પગલે કાલુપુર પોલીસે મોકલેલી તસ્વીરોના આધારે આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો બીજી બાજુ મહેસાણા રેલવે પોલીસે આ અંગેની જાણ કાલુપુર રેલવે પોલીસને કરતા જ પોલીસે હાશકારો અનુભવ્યો હતો આ શખ્સ દાદર- બીકાનેર ટ્રેનમાં ચડી ગયો હતો બીજી બાજુ પોલીસે આ શખ્સની પુછપરછ કરતા તેની નામ અતીન ઠાકોર હોવાનુ જાણવા મળી રહયું છે અને તે મુળ બનાસકાંઠા જિલ્લાનો રહેવાસી છે.

રેલવે પોલીસની સતર્કતાના કારણે ગણતરીની મીનીટોમાં જ અપહરણકાર ઝડપાઈ જતાં બાળકીના માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો આ સમગ્ર ઘટનાની તપાસ કાલુપુર રેલવે પોલીસના પીઆઈ આર.એમ. ચુડાસમા ચલાવી રહયા છે. પોલીસના સંયુક્ત ઓપરેશનના પગલે બાળકીનું અપહરણ કરીને લઈ જતા શખ્સને ઘેરી લેવામાં આવ્યો હતો આ શખ્સે નાસવાનો પ્રયાસ કર્યો હતો જાકે પ્રારંભમાં બાળકી વિશે પુછવામાં આવતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો ત્યારબાદ પોલીસે આ શખ્સને ઝડપી લઈ તેની પાસેથી બાળકીને મુકત કરાવ્યું હતું

ગણતરીની મીનીટોમાં જ પોલીસે સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડતા બાળકીના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો બીજીબાજુ ઝડપાયેલા આરોપીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા સઘન પુછપરછ શરૂ કરાઈ છે અને તેમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.