Western Times News

Gujarati News

વડોદરા જિલ્લાના તમામ ગામોમાં નોવેલ કોરોના વાયરસ કમિટીની રચના

આ સમિતિ ગામડાઓમાં કોરોના સંક્રમણને અટકાવવા સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં લેશે

વડોદરા,  સમગ્ર વિશ્વમાં હાલમાં કોરોના વાયરસ ની મહામારી ફેલાયેલી છે. આ વાઇરસ ને અટકાવવો ખૂબ જ જરૂરી છે. વડોદરા જિલ્લાના તમામ ૬૬૬ ઉપરાંત ગામોમાં જિલ્લા કલેકટરશ્રી શાલિની અગ્રવાલ ની સૂચનાથી જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ તમામ ગ્રામ પંચાયત કક્ષાએ એક નોવેલ કોરોના વાયરસ કમિટીની રચના કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી એ જણાવ્યુ કે દરેક ગામમાં સરપંચશ્રી ના અધ્યક્ષસ્થાને રચાયેલ આ સમિતિમાં પંચાયત તલાટી મંત્રી સભ્ય સચિવ, પ્રાથમિક/માધ્યમિક શાળાના આચાર્ય, ગ્રામસેવક, દૂધ મંડળીના ચેરમેન/મંત્રી, અન્ય સહકારી મંડળીના ચેરમેન/મંત્રી, આરોગ્ય વિભાગના કર્મચારી/ આશાવર્કર, આંગણવાડી કાર્યકર, મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક, ગામના સામાજિક આગેવાનો, સસ્તા અનાજની દુકાનના સંચાલકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, પૂર્વ સરપંચ, આમંત્રિત સભ્યો રહેશે.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે આ સમિતિ લોકોમાં નોવેલ કોરોના વાયરસ નો ફેલાવો અટકાવવા માટે લોકોમાં જનજાગૃતિ ઉભી કરવી, ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ લોક ડાઉન નું સ્વયંભુ ચુસ્તપણે અમલ થાય તેમજ લોકો ભેગા ન થાય તે માટે માહિતગાર કરવા સાથે ગ્રામ પંચાયતના વોર્ડમાં આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી થાય તે માટે વેપારીઓ સાથે મળી આયોજન કરવું, સામાજિક અંતર જળવાય તે માટે લોકોને સમજૂત કરવા તેમજ ગામમાં અન્ય ગામોમાંથી બિનજરૂરી વ્યક્તિઓ ન આવે તે માટે પ્રવેશ બંધ કરવા,

ખાસ કિસ્સામાં પ્રવેશ આપવાના પ્રસંગે રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરવી. તેમજ નોવેલ કોરોના વાયરસ અંગે ગ્રામ્ય કક્ષાની વિગતો રોજ-બ-રોજ તાલુકા કક્ષાએ માહિતી પૂરી પાડવા સાથે આ મહામારીથી બચવા લેવાના થતા તકેદારીના પગલા અંગે તેમજ ગામના જાહેર સ્થળો,ગલીઓમાં રોજબરોજ સ્વચ્છતા તેમજ જરૂરી દવાઓનો છંટકાવ થાય તેની નિગરાણી કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.