Western Times News

Gujarati News

SEBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી

રાજ્યના લાખો યુવાનો-વિદ્યાર્થીઓબાળકો-વાલીઓ માટે મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય

આવકના દાખલની મુદત પણ ૧ વર્ષ વધારી આપવાનો નિર્ણય –૧૭ લાખથી વધુ લાભાર્થીઓને મળશે લાભ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો, વાલીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ SEBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવાની જાહેરાત કરી છે. જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.૩૧ માર્ચ-ર૦ર૧ સુધી માન્ય રાખવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી વધારી આપવામાં આવી છે.

SEBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા.૩૧-૩-ર૦ર૦ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા.૩૧-૩-ર૦ર૧ સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે.

આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહિ. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને પરિણામે આવકના દાખલા માટે રાજ્યના ૧૩ લાખ ૯ર હજાર અને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ માટે ર લાખ ૯૮ હજાર લાભાર્થીઓ મળી ૧૭ લાખ જેટલા લોકોને લાભ થશે.

લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે અને તા.૩૧ માર્ચ-ર૦ર૦ એ પૂરા થતા આવા દાખલા વધુ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી માન્ય રહેતા મોટી રાહત મળશે.

રાજ્યમાં અનૂસુચિત જાતિ-જનજાતિના યુવાઓ-લોકોને જે જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે આજીવન માન્ય રહે છે. આવા SC, ST જાતિ પ્રમાણપત્ર ધારકોએ પણ જે-તે સક્ષમ સત્તાધિકારી પાસેથી મેળવેલા પ્રમાણપત્રો માન્ય રહેશે અને તેની કોઇ સમયમર્યાદા નથી તે બાબત પણ યથાવત રાખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.