Western Times News

Gujarati News

અઘાર ખાતે સ્મશાનભૂમિમાં પવિત્ર સેવન વૃક્ષ વાવી જિલ્લા પોલીસ અધિક્ષકે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

માહિતી બ્યુરો, પાટણ, પાટણ જિલ્લાના અઘાર ખાતેની સ્મશાનભૂમિ પર પવિત્ર સેવન વૃક્ષનું વાવેતર કરી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. ગ્લોબલ ગ્રીન બ્રિગેડ દ્વારા આ અંતિમ ધામમાં ૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજએ જણાવ્યું કે, પર્યાવરણ જતન માટે એક નહીં ૩૬૫ દિવસ આપવાના છે.

હાલની કોરોના વાયરસની મહામારી સાથે, ભૂકંપ અને પૂર જેવી આફતો એ પ્રકૃતિના દોહનનું પરિણામ છે. પ્રકૃતિ સાથેની છેડછાડ છોડી દરેક વ્યક્તિએ જીવનકાળમાં ઓછામાં ઓછા ૧૦ વૃક્ષો વાવી તેના સંવર્ધન માટે સંકલ્પબદ્ધ થવાનું છે. સાથે જ પોતાના સંતાનોને પણ વૃક્ષજતનના સંસ્કાર આપવાના છે. કોરોના વાયરસની મહામારી સમયે મુખ્યમંત્રીશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલા હું પણ કોરોના વારિયર અભિયાનમાં જોડાઈ માસ્ક પહેરવા, સામાજીક અંતર જાળવવા તથા વારંવાર સાબુથી હાથ ધોવા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ઉપસ્થિત તમામ લોકોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. તથા ગ્લોબલ ગ્રીન બ્રિગેડના પ્રમુખશ્રી નિલેશભાઈ રાજગોર દ્વારા ગ્રીન વારિયર તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની પૂર્વ ભૂમિકા આપી નાયબ વન સંરક્ષકશ્રી જે.જે.રાજપૂતે જણાવ્યું કે, વૃક્ષના વાવેતરની સાથે તેનો ઉછેર કરવાની પણ દરકાર લેવાય તે આવશ્યક છે પરંતુ હજી ક્યાંકને ક્યાંક તેનો અભાવ જોવા મળે છે. અહીં થતા વૃક્ષારોપણની સૌએ જાતે જ જવાબદારી સ્વિકારી સ્મશાનભૂમિને નંદનવન બનાવવાની છે. ઉજવણી પ્રસંગે અઘાર ગામના સદગત પર્યાવરણપ્રેમી સ્વ.શ્રી જામાભાઈ દ્વારા કરવામાં આવેલી વૃક્ષારોપણ અને જતનની કામગીરીને બિરદાવતાં પોલીસ અધિક્ષકશ્રીના હસ્તે સદગતના પરિવારજનનું સાલ ઓઢાડી સ્વાગત કરી વૃક્ષ અને ચેક અર્પણ કરવામાં આવ્યો. ગ્લોબલ ગ્રીન બ્રિગેડ અને આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિની સેવા બદલ સદગતને રૂ.૨૧૦૦/-ની રકમનો ચેક સમર્પિત કરવામાં આવ્યો. સાથે જ પાણીનું કુંડુ, ચકલીનો માળો તથા વૃક્ષ અર્પણ કરી સદગતને અંજલી આપી હતી. અઘાર ગામની સ્મશાનભૂમિમાં લિમડો, પીપળો, સેવન અને ઉમરો જેવા ૭૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ દ્વારા સ્મશાનભૂમિમાં પવિત્ર સેવન વૃક્ષ, નાયબ વન સંરક્ષકશ્રી તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા પીપળાનું વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગ્લોબલ ગ્રીન બ્રિગેડના શ્રી નિલેશભાઈ રાજગોર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મહંતશ્રી મહેશગીરીજીએ તેમના આશિર્વચન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.