Western Times News

Gujarati News

વ્યાજખોરો બેફામ, કારની ટક્કર મારી હત્યાનો પ્રયાસ

વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં પાંચ ગણી પેનલ્ટી નાખીને ઊઘરાણી કરાતી હતી, ગુનો દાખલ કરી તપાસ શરૂ થઇ
અમદાવાદ,  દેશમાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે એવામાં વ્યાજખોરો હાલ પણ પોતાના કરતૂતોથી બાજ નથી આવી રહ્યાં. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વ્યાજખોરની દાદાગીરી સામે આવી છે. આ વખતે વ્યાજખોરથી ત્રાસી ગયેલા એક વ્યક્તિનું ઉપરાણું લઈને ફરિયાદી વ્યાજખોર શીતલ રાજપૂત પાસે ગયા હતા અને મૂડી મળી જશે, વ્યાજ ચૂકવી દીધું છે તેમ જણાવ્યું હતું. આ વાત આરોપીને ગમી ન હતી અને આ વાતની અદાવત રાખી આરોપીએ કાલે ફરિયાદીની હત્યાની કોશિશ કરી હતી. જાકે, સદનસીબે ફરિયાદી બચી ગયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

ફરિયાદી અનિલભાઈની પત્નીના પેટમાં દુઃખાવો થઈ રહ્યો હતો, આથી તેઓ અને તેમના સામે રહેતા બ્રિજેશભાઈ દવા લેવા નીકળ્યા હતા. આ સમય એક કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે કાર શીતલ રાજપૂત નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. આ ઘટના બાદ કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા. ફરિયાદીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, ફરિયાદીએ મિત્ર બ્રિજેશભાઈએ એક વર્ષ પહેલાં આરોપી પાસેથી રૂપિયા વ્યાજે અપાવ્યા હતા. ફરિયાદીએ આરોપીને કહ્યું હતું કે, હવે બ્રિજેશભાઈ માત્ર મૂડી ચૂકવશે, તેમણે વ્યાજ ચૂકવી દીધું છે. આરોપીએ પાંચ ગણી પેનલ્ટી પણ વસૂલી કરી હોવાની વાત ફરિયાદમાં જણાવી છે. આ વાતની અદાવત રાખી તેણે આવું કર્યું હોવાની વાત સામે આવી રહી છે. હાલ વિવેકાનંદનગર પોલીસે ૩૦૭, ૨૭૯, ૩૩૭, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.