Western Times News

Gujarati News

સાબુ, લિમડાના પાન, ફટકડી અને કપૂર મિશ્રિત સેનેટાઈઝર બનાવવામાં આવ્યું

ફાઈલ

કાલુપુરના સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા તમામ મંદિરોમાં આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરનો ઉપયોગ નહીં કરાય, દેશી પદ્ધતિનો ઉપયોગ
અમદાવાદ,  સમગ્ર ગુજરાતમાં આઠ જૂનથી મંદિરો ખોલવાની પરવાનગી આપી છે પરંતુ કેટલાક મંદિરો હજુ પણ ખુલ્લા નથી. તેવામાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી હરિભક્તો માટે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે સેનિટાઈઝરનો ઉપયોગ નહીં કરવામાં આવે. આલ્કોહોલવાળા સેનિટાઈઝરના સ્થાને દેશી પદ્ધતિ મિશ્રણ તૈયાર કરીને અથવા સાબુ અને પાણીથી હાથ ધોઈને મંદિરમાં પ્રવેશ અપાશે.

જાણીતા તબિબ ડા. પ્રવિણ ગર્ગે જણાવ્યું હતુ કે, ‘મંદિર તરફથી લેવાયો નિર્ણય વખાવણા લાયક છે. કારણ કે બજારમાં હાલ જે સેનિટાઈઝર મળી રહ્યા છે તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછામાં ઓછું ૬૦ ટકા હોય છે. આવું હોય તો જ સેનિટાઈઝર યોગ્ય રીતે કામ કરે છે. મંદિર તરફથી જે દેશી પદ્ધતિનો ઉપયોગ કરાઈ રહ્યો છે તેના કરતા સાબુ-પાણીથી જા યોગ્ય રીતે હાથ ધોવાના આવે તો તેનો ઉપચાર યોગ્ય થશે. સનિટાઈઝરનો અર્થ એ છે કે હાથના રહેલા કોવિડ-૧૯ના કિટાણુંને મારી નાખવા. સાબુથી હાથ ધોવાથી હાથ યોગ્ય રીતે સાફ થાય છે તેમજ કિટાણુંઓ પણ મરી જાય છે. કાલુપુર મંદિર તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તે બરાબર છે. અન્ય મંદિરોએ પણ શક્ય હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવો જાઈએ.’

નોંધનીય છે કે મંદિર તરફથી કહેવામાં આવ્યું છે કે, સેનિટાઈઝરમાં ૭૦ ટકા આલ્કોહોલ આવતું હોવાથી મંદિર તરફથી તેનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના બદલે પરિસરને જંતુરહિત કરવા માટે દેશી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં સાબુ પાણી, લીમડાના પાન, લીમડાનો રસ, ફટકડી, કપૂર વગેરેમાંથી મિશ્રણ તૈયાર કરવામાં આવશે. આ મિશ્રણનો ઉપયોગ સેનિટાઈઝર તરીકે કરવામાં આવશે. બજારમાં મળતા સેનિટાઈઝરમાં આલ્કોહોલ આવતું હોવાથી ભક્તો મૂંઝવણ અનુભવતા હતા, જેના અનુસંધાને આ નિર્ણય કરાયો છે.

મળતી માહિતી પ્રમાણે કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાબા હેઠળ આવતા તમામ મંદિરોમાં સેનિટાઈઝરનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ મંદિર તરફથી કહેવામાં આવ્યું છે કે સરકાર તરફથી આપવામાં આવેલી તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

આ અંગે વાત કરતા કાલુપુર સ્વામિનારાયણ મંદિરના નિર્ગુણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ‘શિક્ષાપત્રીમાં સ્વામીનારાયણ ભગવાને આજ્ઞા આપી છે કે પોતાની અને બીજાની સુરક્ષા કરવી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ૧૭મી જૂન સુધી મંદિર નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. ૧૭મી તારીખે પણ જા યોગ્ય પરિસ્થિતિ હશે તો મંદિર ખોલાશે, નહીં તો ત્યારે કોઈ બીજા નિર્ણય કરાશે. મંદિર ખોલતી વખતે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવશે.’

નિર્ગુણદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું કે, ‘સેનિટાઈઝરમાં આલ્કોહોલ આવતું હોવાની વાત સાંભળી છે. અમે મંદિરમાં આવી કોઈ વસ્તુનો ઉપયોગ નહીં કરીએ. અમે આ માટે દેશી પદ્ધતિનો ઉપયોગ કરીશું. જેમાં લીમડાના પાન, લીમડાનો રસ, કપૂર, ફટકડી વગેરે વસ્તુના મિશ્રણનો જથ્થો તૈયાર કરીશું. આમાં બીજા દ્રવ્યો ઉમેરવા પડશે તો ઉમેરીશું પરંતુ આલ્કોહોલવાળા સેનિટાઈઝરનો ઉપયોગ નહીં કરીએ. મંદિરમાં પ્રવેશતી વખતે લોકોને કોરોનાની સંક્રમણ ન થાય તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવશે. કાલુપુર મંદિરના તાબા હેઠળ તમામ મંદિરમાં આવી વ્યવસ્થા ગોઠવાશે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.