Western Times News

Gujarati News

નૈઋત્યનું ચોમાસું સક્રિય રાજ્યમાં ભારે વરસાદની શક્યતા

હાટકેસ્વર, અમદાવાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજાની પધરાણી થઈ છે. પણ વરસાદ મનમૂકીને પડતો નહીં હોવાથી અસહ્ય બફારા-ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક અઠવાડીયાથી વાતાવરણમાં ભેજ-બફારો વધ્યો છે. નૈઋત્યનું ચોમાસું આજથી સક્રિય થઈ રહ્યુ છે

ત્યારે શહેરમાં ધમાકેદાર એન્ટ્રી થાય એવુ નાગરીકો ઈચ્છી રહ્યા છે. ગઈકાલે રાત્રે ભૂકંપને કારણે લોકો ફફડી ઉઠ્યા હતા. અને ભૂતકાળની યાદ તાજી થઈ ઉડી હતી. એક તરફ બફારો- ભૂકંપ અને કોરાનાની વચ્ચે જાણે કે નાગરીકો ચક્રવ્યુહમાં ફસાઈ ગયા છે. ત્યારે કમસેકમ મેઘરાજાની પધરાણી થઈ છે પણ થોડા પ્રમાણમાં ભારે વરસાદ થાય તો લોકો રાહતનો દમ લઈ શકે છે. દરમ્યાનમાં હવામાન વિભાગે રાજ્યમાં ચાર પાંચ દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. એ અનુસાર અમદાવાદ-ગાંધીનગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થાય એવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળોએ વાવાઝોડા સાથે વરસાદ પડવાની વકી છે.

અલબત્ત, ભારે પવન ફૂંકાશે, વીજળીના કડાકા-ભડાકા વચ્ચે ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડીયાથી ભારે વરસાદ પડી રહ્યો છયે. જેને કારણે નદીનાળા છલકાઈ ગયા છે જયારે કેટલીક નદીઓમાં પૂર આવ્યા છે. જે કે એક તરફ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે તો બીજી તરફ ગઈકાલે ભૂકંપ આવતા નાગરીકોમાં ડરનો માહોલ સર્જાયો છે.

દરમ્યાનમાં નૈઋત્યનું ચોમાસું આજથી વિધિવત રાજ્યમાં સક્રિય થનાર છે. ત્યારે આગામી ચાર-પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગઈકાલે પણ રાજ્યમાં સાર્વત્રિક રીતે વરસાદ વરસ્યો હતો. છેલ્લા એક અઠવાડીયાથી રાજ્યમાં મેઘરાજાની અમી દ્રષ્ટી જાવા મળી છે. સૌરાષ્ટ્રમાં તો સિઝનનો સારો એવો વરસાદ વરસી ગયો છે. આકાશમાંથી કાચુ સોનું વરસતા જ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને વાવણીની શરૂઆત કરી દીધી છે. હજુ ચાર-પાંચ દિવસ તબક્કાવાર રીતે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની સાથે મેઘતાંડવ થાય તો નવાઈ રહેશે નહી. ભૂતકાળમાં પણ ભારે વરસાદ પડતા જલ ભરાવ જાવા મળ્યો હતો.

સામાન્ય રીતે જુલાઈ-ઓગષ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે જૂન મહિનામાં જ મેઘરાજાની પધરાણી થઈ ગઈ છે. તેને લીધે સૌ કોઈ ખુશખુશાલ છે. આગામી ચાર-પાંચ દિવસ ગુજરાત પર અપર એરસર્કયુલેશનની અસર વર્તાશે અને ભારેથી અતિભારે વરસાદ અમુક સ્થાનો પર પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.