Western Times News

Gujarati News

કોરોનાના ડિસ્ચાર્જ દર્દીઓમાં 30  ટકા હોમ આઇશોલેટેડ પેશન્ટ

જૂન મહિનામાં સાજા થયેલા દર્દીઓ પૈકી 43 ટકા લોકો ઘરે રહી ને કોરોનામુક્ત થયા..

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ચાલુ મહિનામાં માત્ર બે જ દિવસ રપ૦ કરતા ઓછા કેસ નોંધાયા છે. કોરોના કેસની સંખ્યા વધવાની સાથે ડીસ્ચાર્જ કરવામાં આવતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દાવો કરવામાં આવ્યો હતો કે પાંચમી મે ની સરખામણીમાં રરમી મે ના રોજ ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યાની ટકાવારીમાં ૧૪૦ ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડીસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા અને ટકાવારી 100 ટકા સાચી છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓ પૈકી 30 ટકા દરદીઓ હોમ આઇસોલેશન કરવામા આવેલા હતા જયારે જૂન મહિનામાં કુલ ડિસ્ચાર્જના લગભગ 44 ટકા હોમ આઇસોલેશન દરદીઓ છે. જયારે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થયેલા દર્દીઓની ટકાવારી ઓછી છે.સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ પણ ડિસ્ચાર્જ દર્દીઓની માયાજાળ રચી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોરોના ટીમ તરફથી વારંવાર ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાના દાવા થઈ રહ્યા છે. શહેરમાં 16 જૂન સુધી કોરોનાના 11980 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે પૈકી 3605 દર્દીઓ હોમ આઇશોલેશનમાં હતા.મતલબ કે, સામાન્ય લક્ષણ કે લક્ષણ ન હોય તેવા 3605 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આવા દર્દીઓની સ્થિતિ ગંભીર હોતી નથી તેમજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર રહેતી નથી.

આ પ્રકારના ઘરે રહી ને આપમેળે સાજા થયેલા દર્દીઓની ટકાવારી 30 ટકા થાય છે. જેનો તમામ યશ તંત્ર અને અધિકારીઓ લઈ રહયા છે.16 જૂન સુધી એસ.વી.પી.માંથી 2196 અને સિવિલ હોસ્પિટલમાંથી 1925 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આમ, હોમ આઇશોલેશનના 30 ટકા ડિસ્ચાર્જ સામે એસ.વી.પી.માં 18.33 ટકા અને સિવિલ હોસ્પિટલમાંથી 16 ટકા દર્દીઓને જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જુન મહિનામાં ડિસ્ચાર્જ પેશન્ટ અને હોમઆઇશોલેશનના આંકડા અત્યંત ચોંકાવનારા છે.

જૂન મહિનામાં 16 તારીખ સુધી કુલ 4880 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે પૈકી 2137 દર્દી હોમ આઇશોલેશનમાં હતા.મતલબ કે, સામાન્ય લક્ષણો કે બિલકુલ લક્ષણ ન હોય તેવા લગભગ 43 ટકા દર્દીઓ ઘરે રહીને સાજા થયા છે. 2 જૂને એકસાથે 1013 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના માટે અધિકારીઓ પોતાની પીઠ થાબળતા હતા પરંતુ 1013 પેશન્ટ પૈકી 818 પેશન્ટ હોમ આઇશોલેશનમાં હતા.ઘરે રહી ને સાજા થયેલા આ 818 એટલે કે 80 ટકા દર્દીઓનો યશ લેવા માટે જોરશોરથી પ્રચાર થયો હતો.1 જૂને પણ 776 ડિસ્ચાર્જ પૈકી 468 હોમ આઇશોલેટેડ પેશન્ટ હતા.

પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર કેસના આંકડાના બદલે કેસ ડબલીંગ અને તેની ટકાવારીના ગણિત રજુ કરતા હતા.જેના કારણે  નાગરીકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળતી હતી.જેને નિષ્ણાતો આંકડાકીય માયાજાળ કહેતા હતા. રાજ્ય સરકાર ઘ્વારા નિયુક્ત કરવામાં આવેલી કોરોના ટીમ તેમજ વર્તમાન કમિશ્નર પણ આ જ રસ્તો અપનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વર્તમાન ટીમે કોઈપણ માહિતી માટે પાંચમી મે ને બેઝલાઇન બનાવી છે. કોરોના સ્પેશિયલ ટીમ ઘ્વારા મે મહિનામાં ડીસ્ચાર્જ દર્દીઓની ટકાવારી જાહેર કરવામાં આવી હતી .

રાજ્ય સરકાર દ્વારા કોરોના માટે ખાસ નિયુક્ત કરવામાં આવેલા ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદ શહેરમાં ડીસ્ચાર્જ દર્દીઓની ટકાવારીમાં ૧૪૦ ટકા વધારો થયો હોવાની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર પાંચમી મે એ ડીસ્ચાર્જ ટકાવારી વધીને ૩૮.૧ ટકા થઈ છે.

તેથી ૦પ થી ર૧ તારીખ સુધીના સમયગાળામાં રીકવરી રેટમાં રર.રપ ટકાનો વધારો થયો છે. આમ, આ સમયગાળા દરમ્યાન ડીસ્ચાર્જ ટકાવારીમાં ૧૪૦ ટકા જેટલો અસામાન્ય વધારો થયો છે. આ જ અરસા દરમ્યાન રાજ્યમાં ૯ર ટકા અને દેશમાં ૪૩ ટકાનો વધારો થયો હોવાના દાવા કરવામાં આવ્યા હતા. કોરોનાના દર્દીઓ વધુ સંખ્યામાં સાજા થાય તે સારા સંકેત છે. પરંતુ છેલ્લા 30-40 દિવસ દરમ્યાન જે દર્દીઓને રજા આપવામાં આવી છે તેમાં મહત્તમ દર્દીઓને નવી ગાઈડલાઈન મુજબ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.જે પૈકી 30 ટકા હોમ આઇશોલેટેડ દર્દીઓ છે તેની પણ નોંધ લેવી જરુરી છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરે જે રીતે આંકડાકીય માયાજાળ બતાવવા પ્રયાસ કર્યો હતો તે જ પેટર્ન પર ડીસ્ચાર્જ દર્દીઓ માટે જાહેરાત થઈ હોવાના સતતઆક્ષેપ થઈ રહ્યા છે.

  મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ વૈશ્વિક મહામારી દરમ્યાન નાગરીકો સમક્ષ વાસ્તવિક્તા આવે તે આવશ્યક છે. ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે તે બાબત નકારી શકાય તેમ નથી. પરંતુ તેમાં હોમ આઇશોલેશના દર્દીઓની સંખ્યા વધારે છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી માત્ર 18 ટકા દર્દીઓને જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તે બાબત ચિંતાનો વિષય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.