Western Times News

Gujarati News

NCCના વિદ્યાર્થીઓએ ઘરે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી

Ahmedabad,  પ્રવર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, NCC ડાયરેક્ટોરેટ ગુજરાતના કેડેટ્સ અને સ્ટાફે આ વર્ષે અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલા Gp હેડક્વાર્ટર્સની છત્રછાયા હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી “યોગ ફ્રોમ હોમ” થીમ સાથે ડિજિટલ માધ્યમથી કરી હતી.
સરકારના દિશાનિર્દેશો અનુસાર, કેડેટ્સને તેમના ઘરે જ યોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કુલ 39,000 કેડેટ્સ, સ્ટાફ અને તેમના પરિવારજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આયુષ મંત્રાલયના અભિયાન ‘યોગના સાચા એમ્બેસેડર બનો’ના ભાગરૂપે તેમના ફેસબુક પેજ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 નિમિત્તે રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઇવ સ્ટ્રિમિંગ પણ કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આરંભ સાથે, કેડેટ્સે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગના ફાયદા વર્ણવતા તેમજ પોતે યોગાસન કરતા હોય તેવા પ્રેરણાદાયક વીડિયો બનાવીને તેમજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને અપલોડ કરીને તેમના પરિવારના સભ્યો, મિત્રો અને પડોશીઓને “યોગ ફ્રોમ હોમ”માં મહત્તમ સંખ્યામાં સહભાગી થવા માટે પ્રેરિત કર્યા હતા. કેડેટ્સે ‘માય લાઇફ માય યોગ’ વીડિયો બ્લૉગિંગ સ્પર્ધામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આયુષ મંત્રાલય અને અને ICCR દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેનો પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા “યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી” થીમને અનુલક્ષીને શરૂ કરવામાં આવેલા અભિયાન “યોગ કરીશું, કોરોનાને હરાવીશું” અનુસાર યોગ પ્રત્યે પોતાનો ઝુકાવ વ્યક્ત કરવા માટે કેડેટ્સે તેમના મનપસંદ યોગાસનોના વીડિયો પણ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યા હતા અને સાથે તે મૂકવા પાછળના કારણો પણ રજૂ કર્યા હતા. તેમાં યોગનું મહત્વ, તેના લાભો અને રોગ પ્રતિકારકતા વધારવામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. NCC કેડેટ્સે સફળતાપૂર્વક મોટી સંખ્યામાં પરિવારના સભ્યો અને મિત્રોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020માં ભાગ લેવા માટે અને યોગને તેમના દૈનિક જીવનનો હિસ્સો બનાવવા માટે સફળતાપૂર્વક પ્રેરણા આપી હતી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.