Western Times News

Gujarati News

ચીનને ૪૩૦૦૦ કિમીની જમીન કોણે સોંપી હતીઃ નડ્ડા

વડાપ્રધાન અંગે મનમોહન અને કોંગ્રેસ પાર્ટી કંઈ ન બોલે તે જ સારું છે, કોંગ્રેસ પોતાના રાજની  સ્થિતિનું વિચારે
નવી દિલ્હી,  પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે કરેલા નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ વળતો પ્રહાર કર્યો હતો. સોમવારે એક પછી એક સાત ટ્‌વીટ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરનારા લોકો પર વાક્બાણ છોડ્‌યાં હતાં. ટ્‌વીટર પર તેમણે કહ્યું કે મનમોહનસિંઘ એ જ કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે કે જે પાર્ટીએ ઘુંટણીએ બેસીને ભારતની ૪૩૦૦૦ કિલોમીટરની જમીન ચીનને સોંપી દીધી હતી.

મનમોહનના કાર્યકાળનો ઉલ્લેખ કરતા નડ્ડાએ કહ્યું કે તેમના કાર્યકાળમાં ૨૦૧૦થી ૨૦૧૩ વચ્ચે ચીની સેનાએ ૬૦૦ વખત અતિક્રમણ કર્યું હતું. શું ત્યારે તેમને દેશની ચિંતા નહોતી થઈ? મનમોહનસિંઘે લદ્દાખમાં ચીનની સાથેની ચર્ચા પર વડાપ્રધાન મોદીના તાજેતરના નિવેદન પર કહ્યું હતું કે તેમણે પોતાના નિવેદનોથી ચીનના ષડયંત્રકારી નીતિને વધુ મજબૂત ન બનાવવી જોઈએ. તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક હિતો પર પડનારા પોતાના શબ્દોના પ્રભાવ બાબતે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ.

મનમોહનના વડાપ્રધાન મોદી પરના નિવેદનનો જવાબ આપતાં ભાજપા અધ્યક્ષ નડ્ડાએ કહ્યું કે મનમોહનસિંઘની લદ્દાખની ઘટના પરની ટિપ્પણી ફક્ત શબ્દોની રમત છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએના આચરણ પરથી કોઈ પણ ભારતીયને આ પ્રકારના નિવેદન પર વિશ્વાસ નહીં થાય. તેમણે કહ્યું કે જ્યારે તેમનું રાજ હતું ત્યારે પોતાના કાર્યકાળ દરમિયાન તો તેમણે ચીનની સામે હજારો કિલોમીટર જમીન પર આત્મસમર્પણ કરી દીધું હતું. શું ત્યારે પણ તમને આટલી જ ચિંતા થઈ હતી? નડ્ડાએ કહ્યું કે આ એ જ કોંગ્રેસ છે જેમણે હંમેશા આપણા દેશના સૈનિકોના મનોબળને તોડ્‌યું છે.

ભારતની જનતા વડાપ્રધાન મોદી પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે. તેથી જરૂરી છે કે કોંગ્રેસ સેનાનું સન્માન કરે. નડ્ડાએ મનમોહન પર આરોપ લગાવતાં કહ્યું કે તેઓ અલગ-અલગ મુદ્દાઓ પર પોતાની જાણકારી અને સમજદારી લોકો સાથે શેર કરી શકે છે પણ વડાપ્રધાનપદની જવાબદારી માટે તેઓ કંઈ ન બોલે તો જ સારું રહેશે. યુપીએના કાર્યકાળમાં વડાપ્રધાન પદ અને કાર્યકાળને સૌથી વધુ નુકશાન પહોંચ્યું હતું. એનડીએએ સેનાને પોતાનું સમ્માન પરત અપાવ્યું છે. ભાજપા અધ્યક્ષે મનમોહન અને કોંગ્રેસને સલાહ આપતા કહ્યું કે તેઓ ભારતીય સેનાને વારંવાર અપમાનિત ન કરે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.