Western Times News

Gujarati News

ગુજરાતના ૪ જિલ્લામાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નથી નીપજ્યું

નર્મદા, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના તાંડવ કરી રહ્યો છે ત્યારે ગુજરાત તેમાંથી બાકાત નથી પણ ગુજરાતમાં અમુક જિલ્લામાં કોરોના હજુ સુધી પહોંચ્યો નથી. કોરોનાના આંકડા જોઈએ તો ગુજરાતના ૪ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના કેસ હોવા છતાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જેમાં નર્મદા, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા ૩૦૭૭૩ પર પહોંચી ગઈ છે અને મોટા શહેરોથી લઈને ઘણા જિલ્લાઓમાં મૃત્યુના આંકડામાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં એંકદરે કુપોષણની અન્ય જિલ્લાની સરખામણીએ વધુ સમસ્યા ધરાવતા ચાર જિલ્લા નર્મદા, તાપી, ડાંગ અને દાહોદમાં આશ્ચર્યજનક રીતે કોરોનાથી હજુ સુધી એક પણ દર્દીનું મોત નોંધાયું નથી.

શહેરી વિસ્તારોની સરખામણીએ આ જિલ્લામાં દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ રહ્યા છે.

દાહોદ જિલ્લામાં ૨૬ જૂન સુધી કોરોનાના ૫૭ કેસ, નર્મદામાં ૮૫ કેસ, તાપીમાં ૬ અને ડાંગમાં ૪ કેસ નોંધાયા છે. પરંતુ ત્યાં એક પણ દર્દીનું મોત થયું નથી. આ જિલ્લાઓના અન્ય વિસ્તારો કરતા શ્રમજીવી વર્ગ વધુ હોવાથી આવકનું પ્રમાણ ઓછું છે

તેમજ સેંકડો બાળકો કુપોષિત છે. ડોક્ટર્સ માટે પણ આ જિલ્લાઓમાં કોરોનાના કેસ છતાં એક પણ દર્દીનું મોત નથી થયું તે રિસર્ચની બાબત છે. આ વિસ્તારોમાં શહેરોની સરખામણીએ વધુ સારી સુવિધાઓ છે કે પછી ટ્રીટમેન્ટ મેથડમાં કોઈ ફેરફાર છે તે પણ એક તપાસનો વિષય છે.

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કુલ ૩૦૭૭૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના બાદ રાજ્યમાં કુલ ૨૨૪૧૭ લોકો સાજા થયા છે. કોરોનાથી રાજ્યમાં કુલ ૧૭૯૦ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાં ૨૦૨૬૯, વડોદરામાં ૨૧૩૧ કેસ, સુરતમાં ૪૨૪૨, રાજકોટમાં ૨૪૦, ભાવનગરમાં ૨૪૦ કેસ, આણંદમાં ૧૯૩, ગાંધીનગરમાં ૬૨૫, પાટણમાં ૧૬૪ કેસ, ભરૂચમાં ૨૦૫, નર્મદામાં ૮૮, બનાસકાંઠામાં ૧૬૯ કેસ, પંચમહાલમાં ૧૬૮, છોટાઉદેપુરમાં ૫૫, અરવલ્લીમાં ૧૯૨ કેસ, મહેસાણામાં ૨૫૧, કચ્છમાં ૧૪૧, બોટાદમાં ૮૨ કેસ, પોરબંદરમાં ૧૪, ગીર-સોમનાથમાં ૬૯, દાહોદમાં ૫૯ કેસ, ખેડામાં ૧૪૦, મહીસાગરમાં ૧૩૬, સાબરકાંઠામાં ૧૬૬ કેસ, નવસારીમાં ૮૯, વલસાડમાં ૯૩, ડાંગમાં ૪ કેસ, દ્વારકામાં ૨૦, તાપીમાં ૭, જામનગરમાં ૧૯૦ કેસ, જૂનાગઢમાં ૮૦, મોરબીમાં ૧૬ પોઝિટિવ કેસ, સુરેન્દ્રનગરમાં ૧૧૯, અમરેલીમાં ૬૨ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.