Western Times News

Gujarati News

મણિનગરનું સ્વામિનારાયણ મંદિર બંધ કરાયું

૧૧થી વધુ સંતોને કોરોના પોઝીટીવ આવતા અન્ય સંતો હોમ કોરોન્ટાઈન થયાઃ સમગ્ર મંદિરને સેનેટાઈઝ કરાયું  અન્ય સંતોના ટેસ્ટ કરાશેઃ મંદિરમાં આવતા શ્રધ્ધાળુઓમાં ગભરાટ

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયભરમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં ધાર્મિક સ્થાનો બંધ રાખવાનો આદેશ અપાયો હતો ત્યારબાદ ધીમેધીમે શરતોને આધીન ધાર્મિક સ્થાનો ખોલવાની મંજુરી આપવામાં આવી છે આ પરિસ્થિતિમાં   અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરના અગિયારથી વધુ સંતોને કોરોના પોઝીટીવ આવતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાથી કોર્પોરેશનનું તંત્ર પણ સફાળુ જાગ્યુ છે અને સમગ્ર મંદિરને સેનેટાઈઝ કરીને બંધ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે મંદિરમાં સતત આવતા અને રહેતા તમામ સાધુઓનો ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

સંતોને થયેલા કોરોના પોઝીટીવથી મંદિરમાં આવતા ભકતોમાં પણ ગભરાટ ફેલાયો છે. હજુ વધુ કેટલાક સંતો કોરોનામાં સપડાયા હોય તેવુ ચર્ચાઈ રહયું છે જેના પગલે હાલમાં તપાસ ચાલુ છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકડાઉન દરમિયાન તમામ ધંધા રોજગારો બંધ કરી દેવામાં આવ્યા હતા આ ઉપરાંત તમામ થિયેટરો, મોલ્સ પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતાં જાહેર સ્થળો ઉપર પણ જવા પર પ્રતિબંધ મુકાયો હતો. કોરોનાની મહામારીના પગલે ખાસ કરીને રાજયના તમામ ધાર્મિક સ્થાનો પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતાં પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી ગઈ છે જેના પગલે અનલોક-ર માં રાજય સરકારે કેટલીક મહત્વપૂર્ણ છુટછાટો આપી છે.

જેમાં તમામ દુકાનો આજથી રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. અનલોક-૧ દરમિયાન રાજય સરકારે ધાર્મિક સ્થાનો ખોલવાની મંજુરી આપી હતી પરંતુ તેમાં કેટલીક શરતો રાખવામાં આવી હતી.  લાંબા સમય બાદ ધાર્મિક સ્થાનો ખુલતા શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળતો હતો જાકે મોટાભાગના મંદિરોમાં સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતું અને શ્રધ્ધાળુઓ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ પણ જાળવવામાં આવતુ હતું. આ પરિસ્થિતિ વચ્ચે પણ એક ચોંકાવનારી વાત બહાર આવી છે.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં ગઈકાલે સાંજે કેટલાક સંતોને કોરોના થયો હોવાની વાત બહાર આવી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી તપાસ કરતા સૌ પ્રથમ કેટલાક સંતોને કોરોના પોઝીટીવ થયો હોવાનું જાણવા મળ્યું હતું આ અંગેની જાણ થતાં કોર્પોરેશનની ટીમ સક્રિય બની હતી અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવતા પ્રારંભમાં ૭ સંતોને કોરોના પોઝીટીવ થયો હોવાનું બહાર આવ્યું હતું.

જેના પગલે કોર્પોરેશનની ટીમે સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા તમામ સંતોની તપાસ શરૂ કરી હતી મંદિરમાં આવતા સંતોની તબીયત લથડતા કેટલાક સંતોએ મંદિરમાં આવવાનું બંધ કર્યું હતું આ તમામની યાદી મેળવવાની કાર્યવાહી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. ગઈકાલ બપોરથી જ કોર્પોરેશનની ટીમ સક્રિય રીતે આ સમગ્ર બાબતની તપાસ કરી રહી છે જેમાં પ્રાથમિક તબક્કામાં જ ૧૧થી વધુ સંતોને કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને તપાસ કરતા આ તમામ સંતો હોÂસ્પટલમાં સારવાર લઈ રહયા છે.

એક સાથે ૧૧થી વધુ સંતોને કોરોના પોઝીટીવ આવતા કોર્પોરેશનની ટીમ વધુ સતર્ક બની હતી. કોર્પોરેશનના અધિકારીઓએ મંદિરમાં આવતા તમામ સાધુ સંતોની યાદી મંગાવ્યા બાદ તેઓની તપાસ કરતા મોટાભાગના સંતો હોમ કોરોન્ટાઈન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

મણિનગર સ્વામીનારાયણ મંદિરના તમામ સંતોની તપાસ શરૂ કરવામાં આવતા ભારે દોડધામ મચી ગઈ હતી હોમ કોરોન્ટાઈન થયેલા તમામ સંતોનો રિપોર્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. બીજીબાજુ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખુલતા જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડયા હતા અને કેટલાક શ્રધ્ધાળુઓ સંતોના સંપર્કમાં આવ્યા હશે તેવુ મનાઈ રહયું છે. કોર્પોરેશનની ટીમોએ આ તમામની તપાસ શરૂ કરી છે. કોર્પોરેશનની ટીમોએ ગઈકાલ બપોર બાદ ભારે દોડધામ કરી મુકી છે. આ ચોંકાવનારી બાબતમાં કોર્પોરેશનના અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ  પર નજર રાખી રહયા છે.

એક સાથે ૧૧થી વધુ સંતોને કોરોના પોઝીટીવ થવાની વાત બહાર આવતા સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને મંદિરમાં આવતા તમામ શ્રધ્ધાળુઓમાં ફફડાટ ફેલાયો છે. કોર્પોરેશનના અધિકારીઓએ સૌ પ્રથમ સમગ્ર મંદિરને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી અને ત્યારબાદ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ આ મંદિરમાં ૩૦થી વધુ સંતો સંકળાયેલા હોવાનું જાણવા મળી રહયું છે આ તમામની તપાસ હાલ ચાલી રહી છે.

સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા અગ્રણીઓમાં પણ આ મુદ્દે સજાગતા આવી છે હાલમાં મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે અને તમામ સંતો ખાનગી હોસ્પિટલમાં  સારવાર લઈ રહયા છે. આજ સવારથી જ કોર્પોરેશનના અધિકારીઓએ આગળની તપાસ શરૂ કરી છે. સ્વામિનારાયણ મંદિરમાં પણ રહેતા અન્ય કર્મચારીઓના પણ ટેસ્ટ કરવાની ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે.ં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.