Western Times News

Gujarati News

અમદાવાદમાં ૭ જુલાઈએ રિક્ષાચાલકોની હડતાળ

માંગણીઓનો સ્વીકાર ન કરાતા આંદોલન
અમદાવાદ, રાજ્યના રિક્ષાચાલકોને થયેલા અન્યાયને લઈ ૭ જુલાઈના રોજ અમદાવાદના રિક્ષા ચાલકો એક દિવસની પ્રતીક હડતાળ પર જશે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ રિક્ષાચાલકોએ કરેલી રજૂઆતનો સ્વીકાર કરવામાં ન આવતા અંતે આજે રિક્ષા ચાલકોના વિવિધ પ્રતિનિધિ મંડળની બેઠક મળી હતી. જેમાં રિક્ષા ચાલકોને થયેલા અન્યાય મુદ્દે પ્રતીક હડતાળ પર જવાનું નક્કી કરાયું છે.

રાજ્યના રિક્ષાચાલકોને લોકડાઉન દરમિયાન પડેલી મુશ્કેલીઓને લઈ રિક્ષા ચાલકોના વિવિધ એસોસિયેશનોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન રિક્ષા ચાલકોના ધંધા-વેપાર બંધ રહ્યા હોય તેમને રોકડ સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. ઉપરાંત રિક્ષા ચાલકોના વેલ્ફેર બોર્ડની રચનાની વાત પણ કરી હતી. જોકે સરકાર તરફથી રિક્ષાચાલકોની માંગણીનો અસ્વીકાર કરાયો હતો. જેના પગલે રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને આંદોલન શરૂ કરવાનું નક્કી કરાયું હતું. રિક્ષાચાલકોની માંગણીઓનો સ્વીકાર ન કરાતા રિક્ષા ચાલકોના વિવિધ પ્રતિનિધિ મંડળોની એક બેઠક બોલાવવામાં આવી હતી.

આ બેઠકમાં રિક્ષા ચાલકોને સરકાર તરફથી થયેલા અન્યાય સામે લડત આપવાનું નક્કી કરાયું હતું. જેમાં લડતના ભાગરૂપે સૌ પ્રથમ એક દિવસીય પ્રતીક હડતાળ પાડવાનું આયોજન કરાયું હતું. જેથી ૭ જુલાઈના રોજ એક દિવસ માટે રિક્ષાની પ્રતીક હડતાળ રાખવાનો નિર્ણય લેવાયો છે. રિક્ષા ચાલકોની એક દિવસીય પ્રતિક હડતાળના પગલે અમદાવાદની તમામ રિક્ષાઓ એક દિવસના પ્રતીક હડતાળમાં જોડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.