રેલવે ખાનગી કંપનીઓને હવાલેઃ કુલ ૧૦૯ રૂટ ઉપર સંચાલન થશેઃ
        ભારતમાં હવે ખાનગી કંપની પેસેન્જર ટ્રેન ચલાવી શકશે -૯૦ નવી સ્પેશિયલ ટ્રેનો દોડવવાની તૈયારી
નવી દિલ્હી,  ભારતીય રેલવેએ મુસાફર ટ્રેનોનું સંચાલન કરવા માટે ખાનગી કંપનીઓના માટે માર્ગ મોકળો કરી આપ્યો છે. દેશમાં ૧૦૯ સ્થળોના રૂટ પર ખાનગી કંપનીઓ ટ્રેનનું સંચાલન કરી શકશે. તેમાં ૩૦ હજાર કરોડ રૂપિયાના રોકાણની સંભાવના વ્યકત કરાઈ છે. આ માટે રેલવે મંત્રાલયે તેનાથી રોજગારીની તકો વધવાની સાથે લોકોને સારી સુવિધા મળશે સહિત અન્ય કેટલીક દલીલો રજૂ કરાઈ છે. દેશભરમાં પેસેન્જર ટ્રેન સંચાલન માટે સૌપ્રથમવાર ભારતીય રેલવેએ ખાનગી રોકાણ માટે માર્ગ મોકળો કરી આપ્યો છે. દેશના ૧૦૯ સ્થળોના માટે દોડનારી આ તમામ ટ્રેનોમાં ઓછામાં ઓછા ૧૬ કોચ હશે. તેમજ તેની મહત્તમ ગતિ ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે. ભારતીય રેલવેનો આ પ્રોજેક્ટ ૩૫ વર્ષનો છે.
ખાનગી ફર્મને એનર્જી સહિતના ચાર્જ ખપતના હિસાબે આપવાનો રહેશે. આ તમામ ટ્રેનોને ભારતીય રેલવેના મોટરમેન અને ગાર્ડ ઓપરેટ કરશે. આ ઉપરાંત ભારતીય રેલવે ટૂંકસમયમાં જ લગભગ ૪૫ જોડી એટલે કે ૯૦ નવી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી શકે છે. રેલવેએ તેની મંજૂરી માટે ગૃહ મંત્રાલયને ટ્રેનોની યાદી પણ મોકલી આપી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. આ તમામ ટ્રેનો આગામી સપ્તાહથી શરૂ થવાની આશા રખાઈ રહી છે.
આ ટ્રેનોમાં ૧૨૦ દિવસ અગાઉથી મુસાફરી માટે ટિકિટ બુકીંગ થઈ શકશે. તેની સાથે ટ્રેનોમાં તત્કાલ ક્વોટામાંથી પણ થોડીઘણી સીટ રાખવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે રેલવે દ્વારા કોરોનાથી બચાવના માટે જારી કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ પહેલાં રેલવે દ્વારા ૧૨મી મેથી ૩૦ સ્પેશિયલ રાજધાની એક્સપ્રેસ ટ્રેન અને ૧લી જૂનથી ૨૦૦ મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
