Western Times News

Gujarati News

CTMમાં ATM સેન્ટરમાં ભીષણ આગઃ રૂપિયા બળીને ખાખ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આજે સવારથી જ અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાની પધરામણી થતા જ કેટલાક સ્થળો પર પાણી ભરાઈ ગયા છે આ પરિસ્થિતિમાં  શોર્ટ સર્કિટની ઘટનાઓ પણ બનવા લાગી છે આજે સવારે શહેરના સીટીએમ એકસપ્રેસ હાઈવે નજીક બેંકના એટીએમમાં શોર્ટ સર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી અને ગણતરીની મીનીટોમાં જ તેનો વ્યાપ વધવા લાગ્યો હતો.

આ દરમિયાનમાં જ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી જેના પરિણામે આસપાસની દુકાનોમાં આગ પ્રસરતા અટકી ગઈ હતી. આગની ઘટનામાં એટીએમમાં પડેલા તમામ રૂપિયા બળીને ખાખ થઈ ગયા હતા અને બાજુમાં જ આવેલી બેંકની શાખાને થોડુ નુકસાન થયું છે

સવારથી જ આ સ્થળ પર અફડાતફડીનો માહોલ જાવા મળતો હતો અને આસપાસની દુકાનના માલિકમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં સવારથી જ સાર્વત્રિક વરસાદ પડી રહયો છે ચોમાસાની શરૂઆત થતાં જ ફાયરબ્રિગેડનું તંત્ર એલર્ટ થઈ ગયું છે વરસાદ અને પાણી ભરાવાના કારણે શોર્ટ સર્કિટની ઘટનાઓ બનતી હોય છે જેના પરિણામે સાવચેતી રાખવામાં આવી રહી છે

આ દરમિયાનમાં સીટીએમ એકસપ્રેસ હાઈવે પાસે આવેલા કર્ણાવતી બંગ્લોઝના ઝાંપા પાસે શોપીંગ સેન્ટર આવેલુ છે. અને તેમાં ઈન્ડીયન બેંકની શાખા તથા બાજુમાં જ એટીએમ સેન્ટર બનાવવામાં આવ્યુ છે આ એટીએમ સેન્ટરમાં બે રૂપિયા ઉપાડવા માટે તથા એક પાસબુક એન્ટ્રી કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં આ એટીએમ સેન્ટરનો ઉપયોગ કરે છે જેના પરિણામે દિવસ દરમિયાન ભારે ધસારો જાવા મળતો હોય છે.

આજે સવારે ૯ વાગ્યાની આસપાસ અચાનક જ આ એટીએમ સેન્ટરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા જેના પરિણામે સ્થાનિક નાગરિકો દોડી આવ્યા હતા આ અંગેની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર મહેશભાઈ પટેલે તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી બીજીબાજુ ધુમાડાના ગોટા નીકળ્યા બાદ ગણતરીની મીનીટોમાં જ એટીએમ સેન્ટર સળગવા લાગ્યુ હતું અને આગની જ્વાળાઓ દુકાનની બહાર નીકળી હતી.

જેના પરિણામે આસપાસ આવેલી દુકાનોના માલિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને એટીએમ સેન્ટરમાં ફાટી નીકળેલી આગને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી. ફાયરબ્રિગેડના અધિકારીઓએ એટીએમની તપાસ કરતા અંદર તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી એટીએમ સેન્ટરમાં મુકેલા રૂપિયા પણ આગમાં બળી ગયા હતાં.

ઘટનાની જાણ થતાં બેંકના અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં વિકરાળ આગના કારણે બેંકની શાખાને પણ થોડુ નુકસાન થયું છે અધિકારીઓએ કરેલી તપાસમાં પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહયું છે. એટીએમમાં કેટલા રૂપિયા હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

ફાયરબ્રિગેડના અધિકારીઓએ આ અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. આજે સવારે એટીએમ સેન્ટરમાં ફાટી નીકળેલી આગના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ જાવા મળ્યો હતો ખાસ કરીને એટીએમ સેન્ટરની આસપાસ આવેલી દુકાનોના માલિકોએ એક તબક્કે દુકાનો ખાલી કરવાનો વિચાર પણ કર્યો હતો પરંતુ ફાયરબ્રિગેડની ત્વરીત કામગીરીથી આગ કાબુમાં આવી ગઈ હતી જેના પરિણામે સ્થાનિક નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.