Western Times News

Gujarati News

કોરોના ઈંજેકશન કૌભાંડમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં અત્યંત મહત્વના ઈન્જેકશનના કાળાબજારનો વેપલો ચાલતો હતો.

આ ઈજેકશનના સત્તાવાર ભાવ રૂ.૪૦,૦૦૦ની આસપાસ હતો પરંતુ તેના કાળાબજાર કરીને ૧ લાખ રૂપિયા સુધી છાનેછપને લેવામાં આવતા હતા. આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કર્યો હતો બનાવટી ગ્રાહક મોકલીને આ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો.

કોરોનાની સારવારમાં આ ઈન્જેકશન અત્યંત મહત્વનું ગણાય છે અને તેની હોસ્પિટલોમાં અછત હોવાનું કહેવાય છે. આવા સંજાેગોમાં ઈન્જેકશનના કાળાબજાર થતા હોવાની વિગતો બહાર આવતા રાજય સરકાર ચોંકી ઉઠી હતી. વળી આ દિશામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઉંડી તપાસ કરતા એક પછી એક કડીઓ બહાર આવવા લાગી હતી.

સુરતના કૌભાંડના તાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા જેના પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. સિવિલ કર્મચારીના ખાતામાં રકમ જમા થતી હોવાની માહિતી સપાટી પર આવી હતી જેમાં સુરતની ફાર્મા કંપનીનું નામ બહાર આવ્યુ હતુ. આ સમગ્ર ષડયંત્રની તપાસ કરતા એક પછી એક કડીઓ ખુલતી ગઈ હતી કોરોના માટે જરૂરી રૂ.૪૦,૦૦૦ના ઈન્જેકશન રૂ.૧ લાખમાં વેચાતુ હતુ.

જેને કારણે અનેક કોરોનાના દર્દીઓને ઈન્જેકશન મેળવવા ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો દરમિયાનમાં આ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા સાર્થક ફાર્માના માલિક ઉમા કેજરીવાલ, ન્યુ શાંતિ મેડિસીન્સના મિતુલ શાહ, અમિત મછરાણી, ઘનશ્યામ વ્યાસ, અમદાવાદ ધ્રુવી ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકી ઉપરાંત મુંબઈના ભાવેશના સાગરિતો સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સામાન્ય રીતે કોરોનાના સંક્રમણમાં ગંભીર હાલતમાં હોય તેવા દર્દીને ટોસીલિઝમેબ ઈન્જેકશન આપવામાં આવતા હોય છે

પરંતુ આ ઈન્જેકશનની અછતનો લાભ લઈને કાળાબજારની શરૂઆત થઈ હતી આ વાતનો ખ્યાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને થતા તેણે ડમી ગ્રાહકને મોકલયો હતો અને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો ઇંજેકશનના ઉંચા ભાવ લેવામાં આવતા હતા આ ઈંજેકશન સરકારી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા હોય છે અને ડોકટરની પ્રીસ્ક્રીપ્શનને આધારે અપાતા હોય છે.

આશ્ચર્યની વાત એ છે કે આ કૌભાંડમાં સંડોવાયેલાઓ એકના એક પ્રિસ્ક્રિપ્શન પર ઈંજેકશનો ખરીદતા હોવાનું તપાસમાં બહાર આવ્યુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ પણ આ પ્રકારની પધ્ધતિથી ચોંકી ઉઠયા હતા કોરોનાના ક્રિટીકલ દર્દીઓ માટે આ ઈંજેકશન સારવારમાં અત્યંત મહત્વના હોય છે તેથી આ પ્રકારના ઈંજેકશનનું અન્ય ક્યાં ક્યાં વેચાણ થઈ રહયુ છે તેની વિગતો મેળવાઈ રહી છે. ઉમરા પોલીસે સાત લોકો સામે ફરિયાદ નોંધીને સમગ્ર ષડયંત્રની તપાસ આગળ વધારવા તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.