Western Times News

Gujarati News

વિદ્યામંદિર ખાતે બ્લેન્ડેડ લર્નિંગ એજ્યુકેશનલ સ્ટુડિયોનો શુભારંભ

વિદ્યામંદિરના દ્રષ્ટિવાન ટ્રસ્ટીઓની આ નવતર પહેલને આવકારતા  GCERT ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. ટી.એસ. જોશી

કોરોના રોગચાળાને કારણે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. જેના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે ત્યારે વિદ્યામંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડવાના હેતુથી ૨૮ જૂન, ૨૦૨૦ના રોજ  ‘વિદ્યામંદિર એજ્યુકેશનલ સ્ટુડિયો’ શરૂ કરવામાં આવ્યો છે.*

ડિજિટલ પેનલ, ક્રોમા, મિરર એક્સેસરીઝ, રેન્ડરમેન, એડિટિંગ સોફ્ટવેર જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ત્રણ સ્ટુડિયોનું ઉદ્દઘાટન વિદ્યામંદિર કેમ્પસ ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. ટી.એસ. જોશીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્રસિંહ ચાવડા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ. એમ. જે. નોગસ અતિથિ વિશેષ તરીકે  ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યામંદિર ટ્રસ્ટના નિયામક ડૉ. હસમુખ મોદીએ આમંત્રિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી ‘વિદ્યામંદિર એજ્યુકેશનલ સ્ટુડિયો’ વિશે માહિતી આપી હતી.

ઉદ્દઘાટક ડૉ. ટી. એસ. જોષીએ કૉવિડ ૧૯ જેવી વૈશ્વિક મહામારી દરમિયાન શાળાઓ બંધ છે ત્યારે સમય સાથે પરિવર્તન કરી વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટુડિયોનું નિર્માણ કરવાની પહેલ કરવા બદલ વિદ્યામંદિર ટ્રસ્ટના દ્રષ્ટિવાન ટ્રસ્ટીઓ અને સંસ્થાના તમામ સભ્યોને હૃદયપૂર્વક અભિનંદન આપી જણાવ્યું હતું કે, દુનિયામાં અનેક લોકો આ બાબતની પહેલ કરવાનું વિચારે છે. પરંતુ જે તેનું અમલીકરણ કરે છે એ જ દુનિયામાં આગળ વધી શકે છે અને જ્યારે વિદ્યામંદિરે આ પહેલ કરી છે ત્યારે  આ સુવિધાનો વિદ્યાર્થીઓ મહત્તમ લાભ ઉઠાવી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે.

આ ઉદ્દઘાટન કાર્યક્રમનું વિદ્યામંદિરની યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન પ્રસારણ કરવામાં આવતા આશરે ૨૦૦૦ ઉપરાંત  વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો.

વિદ્યામંદિરના આ એજ્યુકેશનલ સ્ટુડિયોમાં પરંપરાગત શિક્ષણ, ડિજિટલ શિક્ષણ, ઇન્ટરેક્ટિવ એજ્યુકેશન અને હોમ લર્નિંગ જેવી વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓને જોડીને ‘બ્લેન્ડેડ લર્નિંગ’ની કલ્પના સાથે શિક્ષણ આપવામાં આવશે.* *બ્લેન્ડેડ લર્નિંગ એજ્યુકેશનની યાત્રામાં વિદ્યામંદિરનું આ પહેલું પગલું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.