Western Times News

Gujarati News

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનના જન્મદિવસે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

શ્રી નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને મોટું દાન અર્પણ, જામનગરમાં ખોડલધામનું પ્રતિક મંદિર, શૈક્ષણિક ભવન સાથેનું સંકુલ બનાવવા જામનગરના શિવધારા-5 ડેવલપર્સ તરફથી જમીનનું દાન અર્પણ

 

ત્રણ સ્થળે યોજાયેલા કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટ્યા રાજકોટઃ ૧૧ જુલાઈના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના ૫૬મા જન્મ દિવસ નિમિત્તે રાજકોટ શહેરના ત્રણ સ્થળે શ્રી સરદાર પટેલ ભવન, પટેલવાડી વાણીયાવાડી અને પટેલવાડી બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. હાલની મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રક્તની જરૂરિયાત ઉભી થઈ રહી છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.


મહામારીની આ પરિસ્થિતિમાં પણ રાજકોટ શહેર અને આસપાસના ગામડા અને તાલુકા વિસ્તારમાંથી રક્તદાતાઓ પોતાનો માનવધર્મ સમજીને સ્વયંભૂ રક્તદાન કરવા પહોંચ્યા હતા અને મેગા બ્લડ ડોનેશન કેમ્પના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો જ્યારે જામનગર અને ભાવનગરમાં શ્રી ખોડલધામ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓએ પોતાનું અમૂલ્ય રક્તદાન કરીને ‘રક્તદાન એ જ મહાદાન’ના સંકલ્પને સાકાર કર્યો હતો.

શ્રી નરેશભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને જામનગરના બિલ્ડરોએ મોટું દાન અર્પણ કર્યું છે. જામનગરના બિલ્ડરોએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને જામનગર જિલ્લાનું ખોડલધામ સંકુલ બનાવવા માટેની જમીન મા ખોડલના ચરણોમાં અર્પણ કરવાનો પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. જામનગરના શિવધારા-૫ ડેવલપર્સના બિલ્ડર શ્રી મુકેશભાઈ અભંગી, શ્રી જયેશભાઈ સંઘાણી અને શ્રી દિનેશભાઈ કપુરીયાએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના માધ્મયથી સમાજ વિકાસના હિતમાં સંકલ્પ લઈને લાલપુર ચોકડી પાસે કુલ ૪૫,૦૦૦ ચોરસ ફૂટ જમીન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને દાન કરેલ છે અને જામનગર જિલ્લા ખોડલધામ સંકુલમાં મા ખોડલનું પ્રતિક મંદિર, શૈક્ષણિક સંકુલ, જિલ્લા સમિતિ માટે કાર્યાલય, સંસ્થા માટે કોમ્યુનિટી હોલ, સંપૂર્ણ કમ્પાઉન્ડ વોલ અને તમામ ગાર્ડન ડેવલપિંગ કરી આપવાની જવાબદારી પણ ત્રણેય બિલ્ડરોએ પોતાના શિરે ઉપાડી લીધી છે. સાથે જ શ્રી મુકેશભાઈ અભંગી ૩૬૫ દિવસના શ્રી ખોડલધામ મંદિરમાં માતાજીના થાળના દાતા બન્યા છે. બિલ્ડરોના આ નિર્ણયને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટી મંડળે વધાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.