પોલીસ સ્ટેશનમાં દારૂડિયાએ ભિંતે માથું પછાડી તોફાન મચાવ્યું
 
        અમદાવાદ: એકતરફ કોરોના અને બીજી તરફ પોલીસને કામગીરીનું ભારણ રહેલું છે. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્રણ નબીરાઓને પકડ્યા હતા જેમાં એક યુવક દારૂ પિધેલી હાલતમાં મળી આવતા તેઓને પોલીસસ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં લઈ જતા જ નબીરાઓ પોલીસ ને ગરમી બતાવવા લાગ્યા અને એમાંથી એક એ તો દીવાલ પર માથું પછાડી છોડી મુકવા ધમપછાડા કર્યા હતા.
વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા મ.સ.ઇ પ્રહલાદભાઈ તેમની ટીમ સાથે સંજીવની હાૅસ્પિટલ પાસે પોઇન્ટ પર હાજર હતા. ત્યારે ત્રણ લોકો વાહન લઈને બુમાબુમ કરતા નિકલ્યા હતા. જેથી પોલીસે તેઓને અટકાવી બહાર નીકળવાનું કારણ પૂછ્યું હતું. જેથી એક યુવક દારૂના નશામાં ચકનાચુર હોવાથી પોલીસની સામે થઈ ગયો હતો અને પોતાને ઉપર સુધી ઓળખાણ છે તેમ કહી પોલીસને દમ મારતો હતો. જેથી આ બાબતે ડિસ્ટાફ પીએસઆઇ સહિતના લોકોને જાણ કરવામાં આવી હતી.
જેથી પોલીસ શાહપુરના પ્રતીક પંચાલ, કુંજલ પટેલ અને આદિશ શાહને પોલીસસ્ટેશન લાવી હતી. જ્યાં આ ત્રણમાંથી કુંજલ પટેલએ દારૂના નશામાં ડ્ઢ-સ્ટાફની ઓફિસમાં માથા પછાડવાનું શરૂ કર્યું અને પોલીસને જાેઈ લઈશ તેવી ધમકી આપી હતી. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તેઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા.
રાત્રે ૧૦.૦૦ વાગ્યા બાદ જ્યારે કરફ્યુ અમલમાં આવે છે ત્યારે બહાર નીકળેલા લોકો રોડ પર ઉભેલી પોલીસને જાેઈને ગભરાઈને અવનવા બહાના આપીને છટકી જાય છે. પણ અનેક કિસ્સામાં પોલીસથી બચીને ભાગવા જવામાં ક્યાંક તે વ્યક્તિને નુકશાન પહોંચે છે. આવી જ ઘટના જમાલપુર દરવાજા પાસે બની હતી. એક યુવક માસ્ક પહેર્યા વગર નીકળતા પોલીસે રોક્યો હતો. ગભરાઈ ગયેલા યુવકે બાઈક ભગાવતા તે સ્લીપ ખાઈ ગયો હતો.
ગાયકવાડ હવેલી પોલીસનો સ્ટાફ જમાલપુર દરવાજા પાસે હતો. ત્યારે માસ્ક વગર નીકળતા લોકોને પકડી તેઓ સામે કાર્યવાહી કરવાની કામગીરી ચાલતી હતી. તેવામાં એક યુવક માસ્ક વગર બાઈક લઈને નીકળતા પોલીસે તેને હાથ બતાવી રોક્યો હતો. પણ આ યુવક ગભરાઈ જતા તેણે બાઇમ ભગાવી અને આખરે તે રોડ પર સ્લીપ ખાઈ ગયો હતો. આજ પોલીસના સહારે તે ઉભો થયો અને બાદમાં પોલીસે ઇરફાન કુરાવાલા નામના આ વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
જ્યારે ખાડીયામાં ત્રણ લોકોને માસ્ક ન પહેર્યું હોવાથી રોકતા પોલીસને ધમકી આપી હતી. તેઓ આ બાબતે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જશે તેવી ધમકી આપતા પોલીસે મોહમદ વસીમ અબ્બાસી, મોહમદ આસીફ અબ્બાસી, ઇકબાલ હુસેન શેખ સામે ગુનો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા હતા.

 
                 
                 
                