Western Times News

Gujarati News

અમરેલીમાં ધરણાં કરી રહેલા પરેશ ધાનાણીની અટકાયત

વિપક્ષી નેતા પોતાના વિસ્તારમાં કોરોના લેબ ટેસ્ટની માગ સાથે અમરેલી સિવિલ ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા
રાજકોટ,  ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમિતોની સંખ્યાને લઈને વિપક્ષ દ્વારા સતત સત્તાધીશ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આજે રાજ્યની વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતાના વિસ્તારમાં કોરોના લેબ ટેસ્ટની માંગ સાથે અમરેલી સિવિલ ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. જ્યાં તેમની અટકાયત કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના વિધાનસભા વિસ્તાર અમરેલીમાં આરોગ્ય સબંધી સુવિધાઓ વધારવાની પોતાની માંગણીઓ રાજ્ય સરકાર તાત્કાલીક સ્વીકારે તેની માંગ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

વિપક્ષ નેતાનું કહેવું છે કે, સુરતમાં કોરોના કેસ વધતા ત્યાંથી રત્ન કલાકારોનો અમરેલી તરફ ધસારો વધ્યો છે. અગાઉ સુરતથી પેસેન્જર આવતા હતા, હવે પેશન્ટ આવે છે. આગામી એક સપ્તાહમાં અમરેલીની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને જગ્યા પણ નહીં મળે. રાજ્ય સરકાર અમરેલીને કોરોના ટેસ્ટીંગ લેબ આપવામાં ઓરમાયું વર્તન કરી રહી છે. આ સિવાય રાજુલા સાવરકુંડલાની હોસ્પિટલને અપગ્રેડ કરવા વિપક્ષના નેતાએ સરકાર પાસે માંગ મૂકી છે.

પોતાની માંગને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. અમરેલીમાં કોરોના ટેસ્ટ લેબની માંગ સાથે વિપક્ષ નેતાએ હોસ્પિટલની બહાર ધરણાં શરૂ કર્યા હતા, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.