Western Times News

Gujarati News

અમદાવાદમાં બ્રીજને પેલે પાર હમણા લાલ બસો ચાલુ થશે નહિ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (લાલબસ) કોરોનાની મહામારી વચ્ચે પણ શહેરના નાગરિકોને આવવા-જવા માટે સુગમતા રહે તે માટે સતત કામગીરી બજાવી રહયુ છે. અનલોક-૧-ર માં લાલબસો રસ્તા પર દોડતી થતા જ જાણે કે જનજીવન ધબકતુ થયુ છે. શહેરના લાખો લોકો પોતાના કામકાજના સ્થળે આવવા જવા લાલબસનો ઉપયોગ કરે છે. લોકડાઉનના સમયમાં એ.એમ.ટી.એસ બસો બંધ હતી

પરંતુ ત્યાર પછી અનલોક-૧ અને અનલોક-ર માં બજારો – ઓફિસો ખુલતા જ લાલબસ શરૂ કરી દેવાઈ હતી એ.એમ.ટી.એસના સત્તાવાળાઓએ કોવિડ-૧૯ને લઈને મુસાફરોની સલામતી માટેના પગલા લીધા છે. એક સીટમાં એક જ પેસેન્જરને બેસાડવામાં આવે છે. બાજુની સીટ ખાલી રાખવામાં આવતી હોવાથી કોરોનાનો ફેલાવો અટકી જાય છે. સીટીંગ પેસેન્જરો સિવાય બે કે ત્રણ જ મુસાફરો ઉભા રહી શકે છે

જાેકે મોટેભાગે બસ ભરાઈ જાય પછી બસ ઉભી રાખવામાં આવતી નથી. કોરોનાનું સંક્રમણ વધે નહી તે હેતુથી તકેદારીના ભાગરૂપે સીટીંગ પેસેન્જરો થયા પછી ઉભી રાખવામાં આવતી નથી અને તે નાગરિકોના હિતમાં છે. પરંતુ લાલબસો લાલદરવાજા કે કાલુપુર જતી નથી. બધી બસો ઈન્કમટેકસ અને નટરાજ સુધી કરી નાંખી છે. જેને કારણે કામ ધંધે જતા મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહયો છે.

શહેરી વિસ્તારમાં કામ ધંધાર્થે જતા મુસાફરોને ઓટો રીક્ષાનો સહારો લેવો પડે છે શટલ રીક્ષાઓ બંધ છે અને રીક્ષામાં માત્ર બે પેસેન્જર બેસાડીને રીક્ષાચાલકો લઈ જાય છે માત્ર બે પેસેન્જરને લઈને જતા રીક્ષાચાલકોએ ભાડા વધારી દીધા છે. ઈન્કમટેક્ષથી બે પેસેન્જરોને લઈને શટલ જ ઉપાડવામાં આવે છે પરંતુ હવે શટલના ભાડાની રકમ ડબલ થઈ ગઈ છે ઉદાહરણ તરીકે રૂ.૧૦ ભાડુ લેવાતુ હતુ તેના રૂ.ર૦ કરી દેવામાં આવ્યા છે તો ઓછી આવક ધરાવનારા સેંકડો મુસાફરોને રૂપિયા વધારે આપવા પડે છે બીજી તરફ રીક્ષાચાલકોને પણ ઓછા ભાડામાં મુસાફરોને લઈ જવા પોષાતા નથી.

કારણ કે કોરોનાને કારણે માત્ર બે પેસેન્જરને રીક્ષામાં બેસાડવાની મંજૂરી છે આવી પરિસ્થિતિમાં એ.એમ.ટી.એસ.ની બસો કાલુપુર- લાલદરવાજા સહિત શહેરી વિસ્તારમાં ફરી ક્યારે શરૂ થશે તેને લઈને નાગરિકો પૂછપરછ કરી રહયા છે. આ અંગે વિગતો મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એ.એમ.ટી.એસ)ના ચેરમેન શ્રી અતુલભાઈ ભાવસારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતું કે શહેરી વિસ્તારમાં લાલદરવાજા, કાલુપુર સહિતના વિસ્તારોમાં એ.એમ.ટી.એસની બસ હાલમાં શરૂ થશે નહિ.

કોવિડ-૧૯નું સંક્રમણ વધે નહી તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રીજને પેલે તરફ હમણા બસ શરૂ કરાશે નહિ. ઓગષ્ટ મહિનામાં પણ અંદર સુધી બસ જાય તેવી સંભાવના નથી. એ.એમ.ટી.એસના સત્તાધીશો માટે રૂપિયા કમાવવા કરતા લોકોની જીંદગી કિંમતી છે. તેથી જ હાલમાં ૭૦૦માંથી ૩પ૦ બસો રસ્તા પર દોડાવવામાં આવી રહી છે. એ.એમ.ટી.એસને ખાલી બસો દોડતી હોવાથી આવક ઓછી થાય છે અને નુકસાન વધારે થાય છે પરંતુ કોરોનાને કારણે મુસાફરો સંક્રમિત ન થાય તે માટે ચાર-પાંચ પેસેન્જરો હોય તો પણ લાલબસને દોડાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.