Western Times News

Gujarati News

બિહારમાં પુરની સ્થિતિ ગંભીરઃ ૪૫ લાખથી વધુને અસર

આસામમાં પુરની પરિસ્થિતિ વધુ ગંભીર બનતા મોદીની મુખ્યમંત્રી સોનોવાલ સાથે વાતચીત
નવીદિલ્હી,  મોનસુની વરસાદ અને પડોશી દેશ નેપાળમાં આવેલા પુરના કારણે દેશના કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતી હવે ગંભીર બની ગઇ છે. બિહાર અને આસામ સહિત જુદા જુદા રાજ્યોમાં પુર અને વરસાદના કારણે કુલ ૪૫ લાખ લોકોને અસર થઇ છે. સાથે સાથે ૧૫ લોકોના મોત થયા છે.

એકબાજુ બિહારમાં નવ જિલ્લા પુરના સકંજામાં આવી ચુક્યા છે. જેથી ૧૮ લાખ લોકોને અસર થઈ છે. આસામ અને બિહાર ઉપરાંત મેઘાલય, ઉત્તરપ્રદેશ, બંગાળમાં પણ ભારે વરસાદના લીધે જનજીવનને અસર થઈ છે. આસામના મોટા ભાગના જિલ્લા બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી વધી જતા પુરના સકંજામાં આવી ગયા છે.

પુરના કારણે બિહારમાં ચાર અને આસામમાં ૧૧ લોકોના મોત થઇ ગયા છે. પશ્ચિમ બંગાળના ઉત્તરીય જિલ્લાઓ અને ઉત્તરપ્રદેશના પૂર્વીય જિલ્લામાં પણ નદીઓમાં પાણીની સપાટી વધી રહી છે. પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગો પણ અસરગ્રસ્ત થયા છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પુરથી રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી ૩૧ જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. આ પુરથી રાજ્યમાં ૨૬.૫ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. ૧૧ લોકોના મોત થઈ ચુક્યા છે. ૧૧૫૬ જેટલા ગામોમાં રહેતા ૨૬.૫ લાખથી વધુ લોકોને અસર થઈ છે.

રાજ્ય સરકાર બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. અસરગ્રસ્ત તમામ લોકોને ૬૮ રાહત કેમ્પોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ભારે વરસાદ બાદ ઉભી થયેલી પુરની સ્થિતિના કારણે ૨૭૮૬૪ હેક્ટર પાર્કને નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા બચાવ કામગીરી વધુ તીવ્ર કરી દેવામાં આવી છે. જે ૩૧ અસરગ્રસ્ત જિલ્લાઓ રહેલા છે તેમાં ધેમાજી, લખીમપુર, સોનિતપુર, બક્સા, બારપેટા, નાલબેરી, ચિરાંગ અને અન્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આસામમાં પુરના પરિણામ સ્વરુપે વિશ્વપ્રસિદ્ધ કાજીરંગા નેશનલ પાર્કમાં ૭૦ ટકા પાણી ઘુસી ગયા છે. ૯૫ કેમ્પોમાં પણ પાણી ઘુસી ગયા છે. બીજી બાજુ પટનાથી પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ૯ જિલ્લાઓમાં પણ પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. ઉત્તરીય વિસ્તારોમાં નેપાળના વિસ્તારોમાં થઇ રહેલા ભારે વરસાદના કારણે પાણીની સપાટી વધી ગઈ છે. ૯ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.